છ અક્ષર નું નામ – રમેશ પારેખ

રમેશ પારેખ બાયોગ્રાફી

રમેશ પારેખ એ ગુજરાતી સાહિત્યના આધુનિક કવિ તરીકે ઓળખાય છે. તેમણે ગુજરાતી ભાષા માં ઘણા કાવ્યો, નવલકથાઓ, નવલિકાઓ, નાટકો, બાળવાર્તાઓ અને ગુજરાતી ફિલ્મ માં ગીતો પણ લખ્યા છે. તેમના વિષે ની વિસ્તૃત માહિતી નીચે મુજબ આપેલી છે. તેમને ર.પા અથવા છ અક્ષર નું નામ વડે પણ ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો –  મહાકવિ કાલિદાસ વિષે ની રસપ્રદ માહિતી

રમેશ પારેખ નું જીવન:

Ramesh parekh Shayari

  • રમેશ પારેખ નો જન્મ 27 નવેમ્બર 1940 ના રોજ અમરેલી ના વણિક પરિવાર માં થયો હતો તેમના માતા નું નામ નર્મદાબેન અને પિતાનું નામ મોહનલાલ હતું.
  • તેમણે પારેખ મહેતા વિદ્યાલય માં થી અભ્યાસ કર્યો હતો.
  • 1958 માં તેમણે પારેખ મહેતા વિદ્યાલય માં થી SSC પાસ કર્યું હતું જેમાં તેઓ ફર્સ્ટ ક્લાસ સાથે ઉતીર્ણ થયા હતા.
  • શાળા ના સમયે તેમણે તેમની પ્રથમ વાર્તા પ્રેત ની દુનિયા લખી હતી જે ચાંદની નામની મેગેઝીન માં છપાયી હતી.
  • 1960 માં અમરેલી જિલ્લા પંચાયત ની કચેરી માં નોકરી માટે જોડાઈ ગયા હતા. તે સાથે તેઓએ તેમના વાર્તા લખવાનું પણ ચાલુ રાખ્યું હતું.
  • 1972 માં તેમના લગ્ન રસીલાબેન સાથે થયા હતા તેમના સંતાનો માં પુત્રી નેહા અને પુત્ર નીરજ છે.
  • તેમને ચિત્રકલા અને સંગીત અને જ્યોતિષ નો ખુબ જ શોખ હતો.

રમેશ પારેખ નું કાર્ય:

Ramesh Parekh Shayari

રમેશ પારેખ તેમના ગીતો ગઝલો અને કાવ્ય ના કારણે થી ખુબ જાણીતા છે તેમણે ગુજરાતી ભાષા માં કાવ્યો, નવલિકા, બાળસાહિત્ય, નાટકો, નિબંધ માં પણ યોગદાન આપ્યું છે. તેમના દ્વારા લખવા માં આવેલી કવિતાઓ નું ફિલ્મો માં ગીતો તરીકે પણ ઉપયોગ કરવા માં આવ્યો છે તે સિવાય તેમણે ઘણા એવા ગુજરાતી ગીતો પણ લખ્યા છે. જેમાં સાવરિયો રે મારો સાવરિયો ખુબ જ જાણીતું ગીત સાબિત થયું છે.

અનિલ જોશી એ તેમને લખવા માટે પ્રેરણા આપી તેમ કહી શકાય તેમને કૃતિઓ ના અંક આપી ને જણાવ્યું કે આમાં લખાયેલું છે તે મુજબ નું અથવા નવું લખવાનું પ્રયત્ન કરવા માટે જણાવ્યું હતું. અને ત્યારબાદ રમેશ પારેખ લખવાનું ચાલુ કર્યું અને અનિલ જોશી તેમના મિત્ર અને ગુરુ બંને બન્યા હતા અનિલ જોશી એ રમેશ પારેખ ને આધુનિકતા ની સમજણ પાડી હતી.

રમેશ પારેખની કૃતિઓ:

Ramesh Parekh Shayari

રમેશ પારેખ ના કાવ્યો:

  • ક્યાં
  • ખડિંગ
  • ત્વ
  • સનનન
  • ખમ્મા આલા બાપુ ને!
  • વિતાન સુદ બીજ
  • મીરા સામે પાર
  • લે તિમિરા સૂર્ય
  • ચશ્માંના કાચ પર
  • સ્વગતપર્વ
  • કાળ સાચવે પગલાં (મરણોત્તર)
  • છાતી માં બારસાખ
  • અહીંથી અંત તરફ

રમેશ પારેખ ના નિબંધ:

  • હોંકારો આપો તો કહું
  • ચાલો એકબીજા ને ગમીએ
  • સર્જક ના શબ્દને સલામ

રમેશ પારેખ ના બાળકાવ્યો અને બાળનવલકથાઓ:

  • હાઉક
  • ચી
  • દરિયો ઝુલલમ ઝુલ્લા હસીએ ખુલ્લમ ખુલ્લા
  • ચપટી વગાડતા આવડી ગઈ
  • દે તાળી
  • હફરક લફરક
  • ગોર અને ચોર
  • કુવામાં પાણીનું ઝાડ
  • જંતર મંતર છું
  • જાદુઈ દીવો
  • અજબ ગજબ નો દીવો

રમેશ પારેખ ના નાટકો:

  • સગપણ એક ઉખાણું
  • સુરજ ને પડછાયો હોય

રમેશ પારેખ ની નવલિકા (વાર્તાસંગ્રહ):

  • સ્તનપૂર્વક” (1983) નામના વાર્તાસંગ્રહથી રમેશ પારેખે આધુનિક ટૂંકીવાર્તાના ક્ષેત્રે પદાર્પણ કર્યું છે. માનવમનની, પ્રકૃતિની અને સંબંધની સંકુલતાઓને તથા માનવીની કોઈ કામ માટેની તીવ્ર ઝંખના, તેનો પ્રાપ્તિ માટેનો અથાગ સંઘર્ષ અને અંતે મળતી નિષ્ફળતા ને આલેખતી આ વિવાદાસ્પદ વાર્તાઓમાં એમણે પરીકથા અને લોકકથાના કથા ની ઘટના કલ્પના,ચેતનાપ્રવાહ, ખરાબ સ્વપ્ન, પ્રતીક, નાટ્યાત્મક રીતે અને નિરૂપણ રીત ની નવીનતા જેવા વિવિધ કારીગરી દ્વારા શબ્દ ના અર્થ થી દૂર લઈ જવાની અને વાયવ્ય ભાવાનુભૂતિઓને અનુભવના ક્ષેત્રમાં લઈ આવવાની મથામણ કરી છે.

રમેશ પારેખ ના ગીત:

  • ગોરમાને પાંચ આંગળીએ
  • હવે આંખોનું નામ
  • તમને ફૂલ દીધા નું યાદ
  • વરસાદ ભીંજવે
  • સૈ મને ચૂંટણી તો ખણ
  • બાળપણ નું રૂસણું
  • તકતાને આંગળીઓ ફૂટી
  • ટેરો મેવાડ મીરા છોડશે

રમેશ પારેખ ની કાવ્યપંક્તિઓ:

  • ગોરમાને પાંચ આંગળીએ પૂજ્યા
  • સાયબા તે તો કાઈ ન બાકી રાખ્યું રે
  • સાવરિયો રે મારો સાવરિયો હું તો ખોબો માંગુ ને
  • સમસ્ત વિશ્વ નામ શબ્દ ને ટેકે ઉભું છે
  • તમે કોને મળ્યા ને કોને ફળ્યા માં ઝળઝળિયાં
  • હવે પાંપણો માં અદાલત ભરાશે મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે
  • એકદા શહેર માં તરસ્યું કોઈ હરણ આવ્યું

પુરસ્કારો:

  • કુમારચંદ્રક
  • નર્મદ સુવર્ણ ચંદ્રક
  • રણજિતરામ સુવર્ણ ચંદ્રક
  • સંસ્કાર એવોર્ડ વડોદરા
  • દિલ્લી સાહિત્ય અકાદમી પુરસ્કાર
  • ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક
  • કલાગૌરવ સુવર્ણચંદ્રક
  • ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કાર
  • ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક
  • ધનજી કાન્જી ગાંધી સુવર્ણ ચંદ્રક
  • નરસિંહ મહેતા પુરસ્કાર

અન્ય માહિતી:

Ramesh Parekh Shayari

  • તેમની પ્રથમ કાવ્યસંગ્રહ ક્યાં ને ખુબ જ સારો આવકાર મળ્યો હતો.
  • રમેશ પારેખ ની બીજી કૃતિ ખડિંગ ને ઘણા પુરસ્કારો મળ્યા છે.
  • ક્યાં કાવ્યસંગ્રહ થી લઈને સ્વાગતપર્વ સુધી ની બધી કાવ્યરચનાઓ ને એકઠી કરી ને છ અક્ષર નું નામ માં સમાવેશ કરવા માં આવી હતી.
  • 1993 માં તેમના કાવ્યસંગ્રહ છ અક્ષર નું નામ ની સન્માન યાત્રા તેમની હાજરી માં કાઢવા માં આવી હતી.
  • એકમાત્ર ગુજરાતી કવિ જેમનું જાહેર જનતા એ આ રીતે સન્માન કર્યું હોય.
  • સૌ પ્રથમ કવિતા ચશ્માં ના કાચ પર રે મઠ ના “કૃતિ” સામાયિક માં માં છપાયી હતી.
  • સોનલ રમેશ પારેખ ની કાલ્પનિક કાવ્ય મૂર્તિ હતી.
  • શરૂઆત ના સમય માં જ્યોતિષ વિદ્યા, સંગીત માં અને ચિત્રકલા માં ઘણો ઊંડો રસ ધરાવતા હતા.
  • માનવીની ભવાઈ અને નસીબની બલિહારી ફિલ્મ માટે શ્રેષ્ઠ ગીત રચનાકાર નો પુરસ્કાર મળ્યો હતો.
  • સમગ્ર સર્જન માટે સંસ્કાર પુરસ્કાર એનાયત થયો હતો.
  • તેમનું 17 મે 2016 ના રોજ રાજકોટ માં હૃદયરોગ ના હુમલા થી અવસાન થયું હતું.
  • કાળ સાચવે પગલાં કાવ્યસંગ્રહ તેમના મિત્ર નીતિન વડગામા દ્વારા રમેશ પારેખ ના મૃત્યુ બાદ રજુ કરવા માં આવી હતી.

રમેશ પારેખ ની કવિતા:

વરસાદ ભીંજવે

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.

– રમેશ પારેખ

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઈ ટાક્યાં ને આભલાં ઓછાં પડ્યાં રે લોલ

માંડવે મ્હેક મ્હેક જૂઈની વેલ કે જૂઈના રેલા દડે રે લોલ
સૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ

ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ
લોલ, મારે મોભારે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ

મેંદીએ મેલું હું મનની ભાત્ય ને હાથમાં દાઝ્યું પડે રે લોલ
આડોશપાડોશ ઘમ્મકે વેલ્યું ને લાપસી ચૂલે ચડે રે લોલ

સૈ, મારે ઊંબરાની મરજાદ કે ઓરડા ઠેસે ચડ્યા રે લોલ
લોલ મારે પથ્થરને પાણિયારે કે જીવતાં મોતી જડ્યાં રે લોલ

લોલ, ઊભી આંગણે નાગરવેલ કે પાંદડાં તૂટ્યા કરે રે લોલ
ઓરડે વાની મારી કોયલ આવે ને કાંઈ ઊડ્યા કરે રે લોલ

– રમેશ પારેખ

આ મનપાંચમના મેળામાં

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.

કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.

કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.

કોઈ લા.ઠા., ચિનુ, આદિલજી બુલેટિન જેવું બોલે છે:
અહીંયા સૌ માણસો હોવાનો આઘાત લઈને આવ્યા છે.

કોઈ ચશ્માં જેવી આંખોથી વાંચે છે છાપાં વાચાનાં,
ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે.

કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં,
કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.

કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા,
કોઈ અધકચરા, કોઈ અડોસરા ઝઝબાત લઈને આવ્યા છે.

આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ,
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.

– રમેશ પારેખ

મરણ મળે

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,

બચી શકાય તો બચવાની ક્ષણ માળે તમને.

ખજૂરી જેવડો છાંયો મળે,એ સિક્કાની,

બીજી ય બાજુ છે એવી કે રણ મળે તમને.

તમારા કંઠમાં પહેલા તો એક છિદ્ર મળે,

પછી તરસ ને પછીથી હરણ મળે તમને .

ટપાલ જેમ તમે ઘેર ઘેર પહોચો પણ,

સમગ્ર શહેરના લોકો અભણ મળે તમને.

– રમેશ પારેખ

શું બોલીએ?

શબ્દની બેડી પડી છે જીભમાં શું બોલીએ?

ને તમે સમજી શકો નહી મૌનમાં શું બોલીએ?

બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત,

આ અમે ઊભા છીએ તસવીરમાં શુ બોલીએ!

લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે રમેશ!

એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ?

– રમેશ પારેખ

રમેશ પારેખ ની જાણીતી કાવ્યપંક્તિઓ: (ONE LINER BY RAMESH PAREKH)

1.) હવે પાપણો મા અદાલત ભરાશે,

મે સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે.

2.) દરિયા નુ નામ એણે કદી સાંભળ્યું નથી,

ખાબોચિયાને ઠાઠ થી તરવા તે નીસર્યા.

3.) આ હથેળી બહુ વહેમવાળી જગા છે,

અહીં સ્પર્શ વસતા એ પ્રેતો થયા છે.

4.) આ બાજુ જંગલ દહન દેમાર ચાલુ,રમેશ,

     આ બાજુ  કુંપળ ફૂટવાની કથા છે.

5.) પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર?

     એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર?

 

અને અંતે:

અહીં ઉપર રમેશ પારેખ ની ઘણી એવી જાણીતી કાવ્યો માં થી અમુક કાવ્યો અને કાવ્યપંક્તિ અહીં દર્શાવવામાં આવી છે જો આપની કોઈ પસંદ ની કવિતા અથવા કાવ્યપંક્તિ હોય તો અહીં નીચે કોમેન્ટ માં આપ લખી શકો છો અથવા કોઈ રમેશ પારેખ ની આપની પસંદ ની કોઈ કાવ્યપંક્તિ હોય તો એ પણ નીચે લખી શકો છો.

જો આપને અમારો આ લેખ પસંદ પડયો હોય તો તમારા મિત્રો અને પરિવાર ના સભ્યો સાથે આ લેખ ને શેર કરવા વિનંતી.

Visited 1,446 times, 1 visit(s) today

2 thoughts on “છ અક્ષર નું નામ – રમેશ પારેખ”

  1. https://youtu.be/mtBMlZH8y1Y

    Gai kaale અમદાવાદ માં ખડાયતા community programme ma ” દોસ્ત, હું છું ગુજરાત” programme ma આનલ વસાવડા ના મોઢે કવી શ્રી રમેશ પારેખ સાહેબ નું આ ગીત શ્રી ગૌરાંગ વ્યાસ ના સંગીત માં સાંભળ્યું …આ એનું રેકોર્ડિંગ નથી, પણ તમને જરૂર ગમશે… બોલ છે સાંવરિયો, મારો સાંવરિયો 👍

    Reply

Leave a Comment