ઝવેરચંદ મેઘાણીની કવિતા

રાષ્ટ્રીય શાયર એવા ઝવેરચંદ મેઘાણી ની કવિતાઓ તથા તેમના સાહિત્ય વિશેની આજે પણ નોંધ લેવામાં આવે છે તથા ઝવેરચંદ મેઘાણી એ न भूतो न भविष्यती સમાન છે. તેમના જેવા સાહિત્ય માં ના કોઈ આવ્યા છે કે ભવિષ્ય માં અન્ય કોઈ આવશે.

આ પણ વાંચો – રાષ્ટ્રીય શાયર – ઝવેરચંદ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી વિશેની સંપૂર્ણ માહિતી અહી ઉપર દર્શાવેલ લેખ માં આપેલ છે. અહી ઝવેરચંદ મેઘાણીની પ્રખ્યાત કવિતાઓ દર્શાવવામાં આવી છે.

ઝવેરચંદ મેઘાણીની કવિતા

અહીં ઝવેરચંદ મેઘાણીની પ્રખ્યાત કાવ્યસંગ્રહ એવા યુગવંદના અને અન્ય કાવ્યસંગ્રહ માં થી ચુંટી ને થોડી કવિતાઓ પ્રસ્તુત કરવામાં આવી છે.

ઝવેરચંદ મેઘાણીની કવિતા:

  • ચારણ કન્યા
  • કસુંબી નો રંગ
  • કોઈનો લાડકવાયો
  • કોઈ દી સાંભરે નઇ
  • શિવાજીનું હાલરડું
  • છેલ્લો કટોરો ઝેરનો
  • મન મોર બની થનગાટ કરે

ઝવેરચંદ મેઘાણી ની કવિતા ચારણ કન્યા:

સાવજ ગરજે !

વનરાવનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે

ઐરાવતકુળનો અરિ ગરજે કડ્યપાતળિયો જોધ્ધો ગરજે

મોં ફાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે

નાનો એવો સમદર ગરજે ! ક્યાં ક્યાં ગરજે?

બાવળના જાળામાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે

કણબીના ખેતરમાં ગરજે ગામ તણા પાદરમાં ગરજે

નદીઓની ભેખડમાં ગરજે ગિરિઓની ગોહરમાં ગરજે

ઊગમણો આથમણો ગરજે ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે ! વાડામાં વાછડલાં કાંપે કૂબામાં બાળકડાં કાંપે

મધરાતે પંખીડાં કાંપે ઝાડતણાં પાંદડલાં કાંપે સૂતાં ને જાગંતાં કાંપે

જડ ને ચેતન સૌ એ કાંપે આંખ ઝબૂકે ! કેવી એની આંખ ઝબૂકે !

વાદળમાંથી વીજ ઝબૂકે જોટે ઊગીબીજ ઝબૂકે

જાણે બે અંગાર ઝબૂકે હીરાના શણગાર ઝબૂકે

જોગંદરની ઝાળ ઝબૂકે વીર તણી ઝંઝાળ ઝબૂકે

ટમટમતી બે જ્યોત ઝબૂકે સામે ઊભું મોત ઝબૂકે

જડબાં ફાડે! ડુંગર જાણે ડાચા ફાડે! જોગી જાણે ગુફા ઉઘાડે!

જમરાજાનું દ્વાર ઉઘાડે! પૃથ્વીનું પાતાળ ઉઘાડે!

બરછી સરખા દાંત બતાવે લસ! લસ! કરતી જીભ ઝુલાવે.

બહાદર ઊઠે! બડકંદાર બિરાદર ઊઠે

ફરસી લેતો ચારણ ઊઠે ખડગ ખેંચતો આહીર ઊઠે

બરછી ભાલે કાઠી ઊઠે ઘરઘરમાંથી માટી ઊઠે

ગોબો હાથ રબારી ઊઠે સોટો લઇ ઘરનારી ઊઠે

ગાય તણા રખવાળો ઊઠે દૂધમલા ગોવાળો ઊઠે

મૂછે વળ દેનારા ઊઠે ખોંખારો ખાનારા ઊઠે

માનું દૂધ પીનારા ઊઠે જાણે આભ મિનારા ઊઠે

ઊભો રે’જે ! ત્રાડ પડી કે ઊભો રે’જે!

ગીરના કુત્તા ઊભો રે’જે! કાયર દુત્તા ઊભો રે’જે!

પેટભરા ! તું ઊભો રે’જે! ભૂખમરા ! તું ઊભો રે’જે!

ચોર-લૂંટારા ઊભો રે’જે! ગા-ગોઝારા ઊભો રે’જે!

ચારણ—કન્યા ! ચૌદ વરસની ચારણ કન્યા

ચૂંદડિયાળી ચારણ કન્યા શ્વેતસુંવાળી ચારણ-કન્યા

બાળી ભોળી ચારણ-કન્યા લાલ હીંગોળી ચારણ-કન્યા

ઝાડ ચડંતી ચારણ-કન્યા પહાડ ઘુમંતી ચારણ—કન્યા

જોબનવંતી ચારણ-કન્યા આગ-ઝરંતી ચારણ-કન્યા

નેસ-નિવાસી ચારણ-કન્યા જગદંબા-શી ચારણ-કન્યા

ડાંગ ઉઠાવે ચારણ-કન્યા ત્રાડ ગજાવે ચારણ-કન્યા

હાથ હિલોળી ચારણ-કન્યા પાછળ દોડી ચારણ-કન્યા

ભયથી ભાગ્યો સિંહણ, તારો ભડવીર ભાગ્યો રણ મેલીને કાયર ભાગ્યો

ડુંગરનો રમનારો ભાગ્યો હાથીનો હણનારો ભાગ્યો

જોગીનાથ જટાળો ભાગ્યો મોટો વીર મૂછાળો ભાગ્યો

નર થઇ તું નારીથી ભાગ્યો નાનકડી છોડીથી ભાગ્યો!

 

ઝવેરચંદ મેઘાણી ની કવિતા કસુંબી નો રંગ

ઝવેરચંદ મેઘાણીની કવિતા

લાગ્યો કસુંબીનો રંગ –

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;

ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ… રાજ..

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ

ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ… રાજ..

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ

સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ… રાજ..

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ

વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ… રાજ..

નવલી દુનિયા કેરા સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ

મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ… રાજ..

પીડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ

શહીદોના ધગઘગતા નિ:શ્વાસે નિ:શ્વાસે સળગ્યો કસુંબીનો રંગ … રાજ..

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ

બિસ્મિલ બેટાંઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ … રાજ ..

ઘોળી ઘોળી પ્યાલાં ભરિયા : રંગીલા હો! પીજો કસુંબીનો રંગ

દોરંગા દેખીને ડરિયાં : ટેકીલાં હો! લેજો કસુંબીનો રંગ … રાજ ..

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ – લાગ્યો કસુંબીનો રંગ !

 

ઝવેરચંદ મેઘાણી ની કવિતા કોઈનો લાડકવાયો:

ઝવેરચંદ મેઘાણીની કવિતા

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,

કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;

ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.

કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,

શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;

મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,

શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;

નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,

છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;

અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી;

એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;

કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,

સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;

કોઇનો લાડકવાયાની આંખડી અમ્રુત નીતરતી.

કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,

આખરની સ્મ્રતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં;

આતમ-લપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.

કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,

હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;

પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,

એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે;

સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે.

વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,

એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;

રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા.

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,

એની રક્ષા કાજા અહનિરશ પ્રભુને પાયે પડતી;

ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,

એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;

વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.

એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી,

જોતી એની રૂધિર – છલક્તી ગજગજ પ્હોળી છાતી;

અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી.

એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,

એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;

કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,

એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;

લખજો: ‘ખાક પડી આંહી કોઇના લાડકવાયાની’.

 

ઝવેરચંદ મેઘાણી ની કવિતા કોઈ દી સાંભરે નઇ:

ઝવેરચંદ મેઘાણીની કવિતા

કેવી હશે ને કેવી નૈ

મા મને કોઈ દી સાંભરે નૈ

કોઈ દી સાંભરે નૈ

મા મને કોઈ દી સાંભરે નૈ

મા મને કોઈ દી સાંભરે નૈ

કોક કોક વાર વળી રમ્મત વચાળે

મારા કાનમાં ગણગણ થાય

 કોક કોક વાર વળી રમ્મત વચાળે

મારા કાનમાં ગણગણ થાય

હુ તુ તુ તુની હડિયાપાટીમાં

માનો શબદ સંભળાય

મા જાણે હીંચકોરતી વઈ ગઈ

હાલાંના સૂર થોડા વેરતી ગઈ

કેવી હશે ને કેવી નૈ

મા મને કોઈ દી સાંભરે નૈ

 મા મને કોઈ દી સાંભરે નૈ

શ્રાવણની કોક કોક વે’લી સવારમાં

સાંભરી આવે બા

શ્રાવણની કોક કોક વે’લી સવારમાં

સાંભરી આવે બા

પરિજાતકની મીઠી સુગંધ લઈ

વાડીએથી આવતો વા

દેવને પૂજતી ફૂલ લૈ લૈ

મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ

કેવી હશે ને કેવી નૈ

મા મને કોઈ દી સાંભરે નૈ

 મા મને કોઈ દી સાંભરે નૈ

સૂવાના ખંડને ખૂણે બેસીને કદી

આભમાં મીટ માંડું

સૂવાના ખંડને ખૂણે બેસીને કદી

આભમાં મીટ માંડું

માની આંખો જ જાણે

જોઈ રહી છે મને

એમ મન થાય ગાંડું

તગતગ તાકતી ખોળલે લૈ

ગગનમાં એ જ દૃગ ચોડતી ગૈ

કેવી હશે ને કેવી નૈ

મા મને કોઈ દી સાંભરે નૈ

કોઈ દી સાંભરે નૈ

મા મને કોઈ દી સાંભરે નૈ

મા મને કોઈ દી સાંભરે નૈ

ઝવેરચંદ મેઘાણી ની કવિતા શિવાજીનું હાલરડું:

 

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજીબાઇને આવ્યાં બાળ –

બાળુડાને માત હિંચોળે:

ધણણણ ડુંગરા બોલે.

શિવાજીને નીંદરું ના’વે:

માતા જીજીબાઈ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ – લખમણની વાત

માતાજીને મુખ જે દીથી,

ઊડી એની ઊંઘ તે દીથી.- શિવાજીને૦

પોઢજો રે, મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –

કાલે કાળાં જુદ્ધ ખેલાશે :

સૂવાટાણું ક્યાંય ન રે’શે.-શિવાજીને૦

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –

રે’શે નહીં, રણઘેલુડા !

ખાવા મૂઠી ધાનની વેળા.-શિવાજીને૦

પે’રી – ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –

કાયા તારી લોહીમાં ના’શે :

ઢાંકણ તે દી ઢાલનું થાશે.-શિવાજીને૦

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –

તે દી તારે હાથ રે’વાની

રાતી બંબોળ ભવાની.-શિવાજીને૦

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરઆડ્ય –

તે દી તો સિંદોરિયા થાપા

છાતી માથે ઝીલવા, બાપા !-શિવાજીને૦

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –

તે દી તારાં મોઢડાં માથે

ધુંવાધાર તોપ મંડાશે.-શિવાજીને૦

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પો’ર –

તે દી કાળી મેઘલી રાતે

વાયુ ટાઢા મોતના વાશે.-શિવાજીને૦

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –

તે દી તારી વીરપથારી

પાથરશે વીશભુજાળી.-શિવાજીને૦

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –

તે દી તારે શિર ઓશીકાં

મેલાશે તીર-બંધૂકા.-શિવાજીને૦

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –

જાગી વે’લો આવ, બાળુડા !

માને હાથ ભેટ બંધાવા.-શિવાજીને૦

જાગી વે’લો આવજે, વીરા !

ટીલું માના લોહીનું લેવા !

શિવાજીને નીંદરું ના’વે:

માતા જીજાબાઇ ઝુલાવે.

બાળુડાને માત હીંચોળે:

ધણણણ ડુંગરા બોલે.

 

ઝવેરચંદ મેઘાણી ની કવિતા છેલ્લો કટોરો ઝેરનો:

 

છેલ્લો કટોરો ઝેરનો આ: પી જજો, બાપુ !

સાગર પીનારા ! અંજલિ નવ ઢોળજો, બાપુ !

અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું:

ધૂર્તો-દગલબાજો થકી પડિયું પનારું:

શત્રુ તણે ખોળે ઢળી, સુખથી સૂનારું:

આ આખરી ઓશીકડે શિર સોંપવું, બાપુ !

કાપે ભલે ગર્દન ! રિપુ-મન માપવું, બાપુ !

સુર-અસુરના આ નવયુગી ઉદધી-વલોણે,

શી છે ગતાગમ રત્નના કામી જનોને ?

તું વિના, શંભુ ! કોણ પીશે ઝેર દોણે !

હૈયા લગી ગળવા ગરલ ઝટ જાઓ રે, બાપુ !

આ સૌમ્ય-રૌદ્ર ! કરાલ-કોમલ ! જાઓ રે, બાપુ !

કહેશે જગત : જોગી તણા શું જોગ ખૂટયા ?

દરિયા ગયા શોષાઈ ? શું ઘન-નીર ખૂટયાં ?

શું આભ સૂરજ-ચંદ્રમાનાં તેલ ખૂટ્યાં ?

દેખી અમારાં દુ:ખ નવ અટકી જજો, બાપુ !

સહિયું ઘણું, સહીશું વધુ: નવ થડકજો, બાપુ!

ચાબુક, જપ્તી, દંડ, ડંડા મારના,

જીવતાં કબ્રસ્તાન કારાગારનાં,

થોડાઘણા છંટકાવ ગોળીબારના –

એ તો બધાંય જરી ગયાં, કોઠે પડ્યાં, બાપુ !

ફૂલ સમાં અમ હૈડાં તમે લોઢે ઘડ્યાં, બાપુ !

શું થયું – ત્યાંથી ઢીંગલું લાવો-ન લાવો !

બોસા દઈશું -ભલે ખાલી હાથ આવો !

રોપશું તારે કંઠ રસબસતી ભુજાઓ !

દુનિયા તણે મોંયે જરી જઇ આવજો, બાપુ !

હમદર્દીના સંદેશડા દઈ આવજો, બાપુ !

જગ મારશે મે’ણાં : ન આવ્યો આત્મજ્ઞાની !

ના’વ્યો ગુમાની – પોલ પોતાની પિછાની !

જગપ્રેમી જોયો ! દાઝ દુનિયાની ન જાણી !

આજાર માનવ-જાત આકુળ થઈ રહી, બાપુ !

તારી તબીબી કાજ એ તલખી રહી, બાપુ !

જા, બાપ ! માતા આખલાને નાથવાને,

જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને,

જા સાત સાગર પાર સેતુ બાંધવાને –

ઘનઘોર વનની વાટને અજવાળતો, બાપુ !

વિકરાળ કેસરિયાળને પંપાળતો, બાપુ !

ચાલ્યો જજે ! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ !

છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ !

 

ઝવેરચંદ મેઘાણી ની કવિતા મન મોર બની:

ઝવેરચંદ મેઘાણીની કવિતા

મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે.

ઘનઘોર ઝરે ચહુ ઓર,

મારું મન મોર બની થનગાટ કરે.

બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને

મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.

મારું મન મોર બની થનગાટ કરે.

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે

ગુમરી ગુમરી ગરજાટ ભરે. (2)

નવે ધાન ભરી સારી સીમ ઝૂલે, નદીયું નવજોબન ભાન ભૂલે,

નવ દીન કપોતની પાંખ ખૂલે (2)

મઘરા મઘરા મલકાઇને મેડક નેહસું નેહસું બાત કરે.

ગગને ગગને ઘુમરાઇને પાગલ

મેઘઘટા ગરજાટ ભરે. … મન મોર બની

નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે

મારાં લોચનમાં મદઘેન ભરે (2)

પરછાઈ તળે હરિયાળી બની મારો આતમ નેન બિછાત કરે

સચરાચર શ્યામલ બાથ ધરે (2)

મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે,

ઓ રે ! મેઘ આષાઢીલો આજ મારે દોય

નેન નીલાંજન-ઘેન ભરે … મન મોર બની

નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહારી એ કોણ વિચાર કરે,

પટકૂળ નવે પાણી-ઘાટ પરે ! (2)

એની સૂનમાં મીટ સમાઇ રહી, એની ગાગર નીર તણાઇ રહી,

એને ઘેર જવા દરકાર નહીં (2)

મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે !

પનિહાર નવે શણગાર નદી કેરે

તીર ગંભીર વિચાર કરે ! … મન મોર બની

ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહેલ અટારી પરે

ઊંચી મેઘ-મહેલ અટારી પરે ! (2)

અને ચાકચમૂર બે ઉર પરે પચરંગીન બાદલ-પાલવડે

કરી આડશ કોણ ઊભેલ અરે ! (2)

ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે,

ઓલી કોણ પયોધર સંઘરતી

વિખરેલ લટે ખડી મે’લ પરે ! … મન મોર બની

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે,

ચકચૂર બની ફૂલ-ડાળ પરે ! (2)

વિખરેલ અંબોડાના અળ ઝૂલે, દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે.

એની ઘાયલદેહના છાયલ-છેડલા

આભ ઊડી ફરકાટ કરે (2)

ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે !

મોર બની થનગાટ કરે આજે … મન મોર બની.

તમરાંને સ્વરે કાળી રાત ધ્રુજે,

નવ બાદલને ઉર આગ બૂઝે (2)

નદીપૂર જાણે વનરાજ ગુંજે. હડૂડાટ કરી, સારી સીમ ભરી,

સરિતા અડી ગામની દેવડીએ (2)

ઘનઘોર ઝરે ચહુ ઓર મારું મન મોર બની થનગાટ કરે.

 

અને અંતે:

જો આપના પસંદ ની કોઈ કવિતા હોય તો અહીં નીચે કોમેન્ટ માં જણાવી શકો છો.

જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવા વિનંતી.

Visited 2,356 times, 2 visit(s) today

2 thoughts on “ઝવેરચંદ મેઘાણીની કવિતા”

  1. શ્રી ઝવેરચંદ મેઘાણી સાહેબે જેટલી કવિતાઓ લખી છે તે કોઈ પુસ્તક સ્વરૂપે છપાઈ હોય તો પ્રકાશક ની વિગતો મોકલવા મહેરબાની કરશો.

    Reply

Leave a Comment