જામનગર શહેર ની સ્થાપના 1540 માં ભગવાન શ્રીકૃષ્ણ ના વારસદાર એવા શ્રી જામ રાવલ દ્વારા નાગમતી અને રાગમતી નદી ના કાંઠે કરવા માં આવી હતી . અગાઉ જામનગર નવાનગર તરીકે જાણીતું હતું. આ સિવાય જામનગર ને કાઠિયાવાડ ના રત્ન, સૌરાષ્ટ્ર નું પેરિસ, કાશી જેવા ઉપનામો પ્રાપ્ત થયેલા છે.
જામનગર ની મધ્યમાં દરબારગઢ આવેલો છે. જ્યાં રાજા મહારાજા પ્રજા ના પ્રશ્નો નુ નિરાકરણ લાવતા અને પ્રજા ને સાંભળતા હતા. જોડિયા તાલુકા થી પોરબંદર સુધી 320 કિલોમીટર સુધી નો દરિયો જામનગર ને મળ્યો છે. દરિયા ની દૃષ્ટિએ જામનગર ભાગ્યશાળી રહ્યું છે. જામનગર થી કચ્છ તરફ જતા વચ્ચે લગભગ નાના મોટા 42 જેટલા બીચ આવેલા છે. જામનગર માં મોતી, બાંધણી, કંકુ, ફરસાણ, મીઠાઈ જેવા ઉદ્યોગો આવેલા છે.
આ પણ વાંચો – અમદાવાદ ની નજીક માં આવેલા એક દિવસીય પ્રવાસ માટે ના સ્થળો
કવિ વાણીનાથ એ જામનગર નું વર્ણન કરતા જણાવ્યું છે કે ‘નગર વેલ, વૃક્ષ અને પુષ્પો થી લચી પડેલી વાટિકા ઓ અને કમળ થી શોભતા તળાવ અને તરેહ તરેહ ના ભવનો થી શોભતી આ નગરી અમરાવતી જેવી લાગી છે. અમૃત થી ભરપુર તળાવ ની નગરી’
જામનગર ગુજરાત માં આવેલું એક અદ્યતન પર્યટન સ્થળ છે. જેના મકાન ની ડિઝાઇન, પ્રાચીન દરિયાકાંઠા ના ક્ષેત્ર અને મનોહર તળાવો થી ભરેલું છે. જેની મુલાકાત લેવા જેવી છે. આજે આપણે જામનગર માં આવેલા પર્યટન સ્થળો વિશે વાત કરીશું.
લખોટા તળાવ અને પેલેસ:
રણમલ અથવા લખોટા પેલેસ તરીકે જાણીતું આ સ્થળ ને જામ રણમલજી બીજા એ 1820 થી 1852 માં સમયગાળા માં બંધાવ્યું હતું. 1840 માં દુષ્કાળ ના કારણે રાજવી રણમલજી એ હજારો માનવીઓ ને રોજી રોટી અને રહેવા માટે અહી આશ્રય આપ્યો હતો. લખોટા પેલેસ ની બાજુમાં જ સુંદર અને શાંત તળાવ આવેલું છે. જેનું નામ રણમલ તળાવ અથવા લખોટા તળાવ તરીકે ઓળખાય છે. 1964 માં પેલેસ ને મ્યુઝિયમ માં પરિવર્તિત કરવામાં આવ્યું હતું. આ પહેલા તે રાજાનો મહેલ હતો જે હાલ સંગ્રહાલય છે. પેલેસ ની રૂપરેખા નિહાળવા જેવી છે.
સોલેરિયમ:
રાજાશાહી સમયની બનાવટ નું આ સોલેરીયમ. તેનો મૂળ ઢાંચો યથાવત્ રાખી તેને રિનોવેટ કરી લોકોને જોવા માટે ખુલ્લું મૂકવા કોર્પોરેશનના રૂપિયા 48 કરોડના પ્રોજેક્ટમાં રૂપિયા 10 કરોડનો ખર્ચ સમાવેશ કરીને હેરિટેજ જાળવણી કરાશે. એટલે અંગ્રેજોના શાસન દરમિયાન આઝાદી પહેલા જામનગરનું આ સોલેરિયમ બનાવવામાં આવ્યું હતું. જેની સ્થાપના જામસાહેબ રણજીતસિંહ દ્વારા 1933 માં કરવામાં આવી હતી. રણજીતસિંહ ની વિનંતી પર ફ્રાન્સ ના જીન સેડમને 6 લાખ માં બનાવી આપ્યું હતું. સોલેરિયમની ઊંચાઇ 40 ફૂટ છે. પ્લેટફોર્મ ઉપર જે 10 સોલેરિયમ કેબિન બાંધવામાં આવી છે તે જમીનથી ત્રીસ ફૂટ ઊંચા ટાવર પર ગોઠવવામાં આવી છે. સોલેરિયમનું પ્લેટફોર્મ 114 ફૂટ લાંબું છે જેના પર ટ્રીટમેન્ટ માટે બાંધવામાં આવેલી 13 x 9 ની 10 કેબિનને સૂર્યની દિશા પ્રમાણે ફેરવી શકાય છે. સૂર્ય જેમ આકાશમાં ફરે છે તે પ્રમાણે 10 -15 મિનિટો ગોઠવવામાં આવે છે અને તેના માટે નિરીક્ષણ રૂમમાં નિયંત્રણ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોય છે. આમ કુદરતી કિરણોની મદદથી હજારો લોકોએ જેતે સમયે સારવાર મેળવી હતી. રાજાશાહીના વખતમાં બંધાયેલું આ સોલેરિયમ એશિયાનું એકમાત્ર સોલેરિયમ છે જે જામનગરની જનતા માટે તેમજ સમગ્ર ભારત માટે એક ગૌરવની વાત છે જુદા – જુદા દેશના મુલાકાતીઓને ઐતિહાસિક હિતને કારણે સારવારના હેતુ સિવાય પણ મુલાકાતીઓને આકર્ષે છે.
બાલા હનુમાન:
રણમલ તળાવ ના કાંઠે આવેલું આ હનુમાનજી નું મંદિર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન ધરાવે છે. અહી 1 ઓગસ્ટ 1964 થી શ્રી રામ જય રામ જય જય રામ ની અખંડ ધૂન ચાલુ છે. બિહાર માં જન્મેલા પ્રેમભિક્ષુક મહારાજે 1960 માં જ્યારે જામનગર આવ્યા ત્યારે તેમણે આ મંદિર ની સ્થાપના કરી હતી. ઉત્સવો દરમ્યાન આ ધૂન ઘણી ઉર્જા સાથે બોલાય છે. લખોટા તળાવ અથવા રણમલ તળાવ ની અડોઅડ આ મંદિર આવેલું છે. અહી આ ધૂન માં જે સ્વયંસેવકો સહભાગી થાય તેવો ક્યારેય પણ આ ધૂન ને ખંડિત થવા દેતા નથી. 2001 માં ભૂકંપ ના સમયે આખું ગુજરાત ધણધણી ઊઠયું હોવા છતાં પણ આ ધૂન બંધ થઈ ન હતી. આ મંદિર ની મુલાકાત લઈને રામ નામ માં મન પરોવી દેતા અલગ જ શાંતિ પ્રાપ્ત થાય છે.
ભૂજીયો કોઠો:
રાજા રણમલ બીજા દ્વારા આ કોઠા નું બાંધકામ 1882 માં કરવામાં આવ્યું હતું. જેને બનતા 13 વર્ષ નો સમય લાગ્યો હતો. આ સમયગાળા દરમિયાન 1890, 1895 અને 1902 માં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. રાજા એ આ સ્થળ પ્રજા ના રહેવાસ માટે ખુલ્લું મૂક્યું હતું. લખોટા તળાવ ના દક્ષિણ કિનારે આ વિરાટ અને ભવ્ય કોઠો અતીત ની અનેક યાદો સંઘરી ને આજે પણ અડીખમ ઉભો છે. ભૂજિયો કોઠો તેની ઉંચાઈ અને ઘેરાવા ના કારણે અજોડ કૃતિ છે. 4 લાખ 25 હજાર ના ખર્ચે તૈયાર થયું હતું. આ કોઠા ના ઉપર થી આખું જામનગર દેખાય છે. અહી કહેવાય છે કે પહેલા ના સમયે ઉપર થી ભુજ દેખાતું હોવાથી આ કોઠો ભુજિયો કોઠો તરીકે ઓળખાય છે.
પ્રતાપ વિલાસ પેલેસ:
ગુજરાત નું અતિ સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત તરીકે આ પેલેસ ની ગણના થાય છે. 1914 માં જામ રણજીતસિંહજી દ્વારા આનું બાંધકામ કરાવવામાં આવ્યું હતું. 720 એકર માં ફેલાયેલો આ પેલેસ યુરોપીય સ્થાપત્યો અને ભારતીય સુંદર કોતરણી કામ અને ગ્લાસ ટેકનિક થી સજાવવા માં આવ્યો છે. આ પેલેસ ઉપર 3 ડોમ, પ્રવેશદ્વાર પર 2 વાઘો ના શિલ્પો, દરબાર હોલ, મોઝેક ફ્લોર, કુલ 7 ડોમ અને 12 બારી બાલ્કની થી આ પેલેસ સુશોભિત છે.
પીરોટન ટાપુ:
જામનગર થી 29 કિલોમીટર ના અંતરે આવેલું આ ખડકોવાળા સુંદર રંગના ટાપુઓ પીરોટન ટાપુ ના નામે ઓળખાય છે. સિક્કા અને બેડી બંદર થી હોડી દ્વારા આ સ્થળ ની મુલાકાત લઈ શકાય છે. 458 ચોરસ કિલોમીટર માં આ ટાપુ પથરાયેલો છે. આ સ્થળ ને પ્રવાસીઓ ને આકર્ષવા માટે સરકાર દ્વારા દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યું છે. અહી વિવિધ કદ ની અને વિવિધ આકાર ની જીવસૃષ્ટિ નિહાળવા મળે છે. જ્યારે ભરતી ના સમયે ટાપુ પર પાણી ચડે છે તેવા સમયે જળચર પ્રાણીઓ નિહાળી શકાય છે.
ખીજડીયા પક્ષી અભયારણ્ય:
જામનગર થી લગભગ 12 કિલોમીટર ના અંતરે આવેલું આ અભયારણ્ય 605 હેકટર વિસ્તાર માં ફેલાયેલું છે. 1920 માં આ અભયારણ્ય બનાવામાં આવ્યું હતું. અહી બે માનવ નિર્મિત ડેમ આવેલ છે જેમાં એકમાં તાજુ પાણી જ્યારે બીજામા સમુદ્ર નું પાણી એકત્રિત થાય છે. કુલ 8600 થી વધુ જાતના પક્ષીઓ આવેલા છે ગુજરાત માં 453 જાત ના પક્ષીઓ જોવા મળે છે જ્યારે અહી ખીજડીયા ખાતે 252 જેટલા પક્ષીઓ જોવા મળે છે. સપ્ટેમ્બર થી એપ્રિલ મહિના દરમ્યાન અહી દેશ વિદેશ ના પક્ષીઓ મુલાકાત માટે આવે છે. જેમાં ગજપાઉ, કાળી કોકાનસર, કપાસી, ભગવી સમડી, ઢોર બગલો, પતરગો, તેતર, શાહી મુંપસ, દેવચકલી, નાની મુરઘાલી વગેરે જેવા પક્ષીઓ જોવા મળે છે.
મરીન નેશનલ પાર્ક:
458 ચોરસ કિલોમીટર માં ફેલાયેલો આ નેશનલ પાર્ક દેશનો પ્રથમ મરીન નેશનલ પાર્ક છે. અહી દરિયાઈ પ્રાણીઓ જોવા મળે છે. જેમ કે માછલીઓ, સરીસૃપ પ્રાણી, વાયબ્રન્ટ સ્પોંજસ, સ્ટાર ફિશ, ઓક્ટોપસ, દરિયાઈ ઘોડો, જેલીફિશ, ડોલ્ફિન વગેરે જોવા મળે છે.
જામનગર નું મોક્ષધામ:
બીજા બધા સ્મશાન કરતા આ સ્મશાન અલગ છે. અહી દુઃખ માં પણ આધ્યાત્મ અને સાંત્વના મળી રહે તેવું મોક્ષધામ છે. 50 વર્ષ પહેલા વિક્ટોરિયા પુલ ( હાલ માં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ પુલ ) થી નાગના ના નાકા સુધી આવેલી સ્મશાનભૂમિ ને ખસેડી ને નાગમતી નદી ના કિનારે લઈ જવા માં આવી હતી. અહી ટ્રસ્ટ દ્વારા આ સ્મશાન ની સંભાળ લેવામાં આવે છે. દેવી દેવતા ઓ ના મંદિરો અને વિશ્વવિભૂતિઓ ના પુનિત સંદેશાઓ અહી સાંભળવા છે. આ સ્મશાન ની મુલાકાત લેવા પણ પ્રવાસીઓ આવે છે.
આ સિવાય અન્ય જોવાલાયક સ્થળો:
- સોનાપુરી ખાતે અનેક સંતો, ઋષિઓ, છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ ની મૂર્તિઓ અને શિલ્પીઓ આવેલી છે શ્રીરામ નો વનવાસ અને શબરી ની ઝૂંપડી ની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. અહી જીવન નું ચક્ર દર્શાવવામાં આવ્યું છે જે માણસ ને તેના કર્મો નો ખ્યાલ અપાવે છે.
- દરબારગઢ ચાંદી ચોક ના પૂર્વ હિસ્સા માં આવેલું આ ગઢ જામનગર ના રાજા જામ શ્રી રાવલ નું નિવાસસ્થાન હતું. જેનું બાંધકામ 1540 માં શરૂ કરવામાં આવ્યું હતું જેને પુરૂ થતા સદી થી વધુ સમય લાગ્યો હતો. રાજસ્થાની અને યુરોપિયન શૈલી ના મિશ્રણ થી આની બનાવટ કરવામાં આવી છે. જેના જૂના ભાગ ને તિલામોડી તરીકે ઓળખવામાં આવે છે. અહી રાજા રાવલ નું સિહાસન, કટાર, તલવાર, ભાલો વગેરે પ્રવાસીઓ ના આકર્ષણ માટે રાખવામાં આવ્યું છે. હાલ અહી કોઈ વસવાટ કરતું નથી. રાજા નો રાજ્યાભિષેક અહી કરવામાં આવ્યો હતો. ભૂકંપ ના સમય દરમ્યાન અહી થોડા ભાગ ને નુકશાન થયુ હતું.
- સૈફી ટાવર 1340 માં બનાવવા માં આવેલો આ ટાવર શેઠ મહંમદભાઇ અલીભાઈ કાચવાળા એ પોતાની અંગત મૂડી ખર્ચી ને બનાવેલો હતો મહંમદભાઇ એ આ ટાવર એકાવન માં ધર્મગુરુ નામદાર તાહેર સૈફુદીન સાહેબ ને અર્પણ કર્યો હતો આ ટાવર હજુ પણ જામનગર માં બેનમૂન સ્થાપત્ય તરીકે જીવંત છે.
- રણજીત સાગર ડેમ જે આખા જામનગર શહેર ને પાણી પુરૂ પાડે છે. અહી બાજુ માં બગીચો બનાવવા માં આવ્યો છે. જ્યાં લોકો સાંજ ના સમયે અથવા પિકનિક માટે અહી આવતા હોય છે. અહી સીઝન દરમ્યાન વિવિધ પક્ષીઓ પણ નિહાળવા મળે છે.
આ સિવાય દ્વારકા જગત મંદિર, રૂક્ષ્મણી મંદિર, ગોપી તળાવ, શારદાપીઠ, નાગેશ્વર જ્યોતિલિંગ, શંખોદ્વાર, બેડી પક્ષી અભયારણ્ય, સિક્કા બંદર, મહાપ્રભુજી ની બેઠક, પ્રાચીન નાગનાથ, ખીજડા, ભીડભંજન હનુમાન, ગુરૂદ્વાર, જૈન મંદિર, સ્વામિનારયણ મંદિર, હરસિદ્ધિ માતાનું મંદિર, રોઝી બંદર, સરદાર પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક, સ્વામિનારાયણ મંદિર,સાત રસ્તા સર્કલ, બેડી બંદર, નવનતપુરી ધામ, સપડા માં આવેલું પૌરાણિક ગણપતિ મંદિર, ખીજડીયા મંદિર, છોટા કાશી વિશ્વનાથ મંદિર વગેરે જેવા જોવાલાયક સ્થળો આવેલાં છે.
આ સિવાય જો અન્ય કોઈ પ્રવાસિક સ્થળો આપની નજર માં હોય તો અહીં નીચે કોમેન્ટ માં આપ જણાવી શકો છો.
જો આપ ને અમારો આ લેખ પસંદ પડયો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવો.