ભારત ના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી એ જેમને ભારતના “રાષ્ટ્રીય શાયર” જેવા ગૌરવપૂર્ણ બિરૂદ આપેલું છે તથા લોકસાહિત્ય અને ગુજરાતી સાહિત્ય માં આજે પણ જેમની કૃતિઓ જાણીતી અને ખુબ વાંચવા માં આવતી હોય એવા ઝવેરચંદ મેઘાણી નો તારીખ 28 ઓગસ્ટ 2021 ના રોજ 125 મી જન્મજયંતી આવી રહી છે ત્યારે તેમના વિશેની સંપૂર્ણ જાણકારી અહીં આપવા માં આવી છે.
આ પણ વાંચો – ઝવેરચંદ મેઘાણીની કવિતાઓ
શબ્દો ના સોદાગર અને પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવતા ઝવેરચંદ મેઘાણી ની જન્મતિથિ નિમિત્તે અહીં અમે તેમના બાળપણ થી લઈને તેમના લેખનકાર્ય, કવિ, નવલકથાકાર, લેખક, સાહિત્યકાર, વિવેચક, અનુવાદક લોકસાહિત્ય ના સંશોધક – સંપાદક, વાર્તાકાર જેવી અનેક ભૂમિકાઓ તેમના જીવનકાળ માં તેમણે ભજવી છે જેના વિશે ની વિસ્તૃત માહિતી આજે અમે અહી તમારી સામે લઈને આવ્યા છે.
ઝવેરચંદ મેઘાણી નો જન્મ અને બાળપણ:
ઝવેરચંદ મેઘાણી નો જન્મ 28 ઓગષ્ટ 1896 ના રોજ ગુજરાત રાજ્ય ના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં થયો હતો. ચોટીલા પહાડી વિસ્તાર હોવા થી ઝવેરચંદ મેઘાણી પોતાને પહાડ નું બાળક તરીકે ઓળખાવે છે. તેમના પિતાનું નામ કાળીદાસ અને માતાનું નામ ધોળીબાઈ હતું. જેઓ જૈન વણીક હતા.
ઝવેરચંદ મેઘાણી ના પિતા કાળીદાસ મેઘાણી પોલીસ ખાતા માં નોકરી કરતા હતા. પોલીસ ખાતા માં નોકરી હોવા ના કારણે થી તેમને અલગ અલગ જગ્યાએ બદલી થતી હોવા થી તેમને પોતાના કુટુંબ સાથે અલગ અલગ ગામોમાં રહેવા નું થતું હતું. આથી ઝવેરચંદ મેઘાણી કહે છે કે “આ પોલીસ-બેડાની દુનિયા અનોખી છે. તમારી એમાં ભમ્રણ કરી શકશો નહિ. એ માટે તો તમારે એ દુનિયામાં જ જન્મ ધરવો જોઈએ.”
ઝવેરચંદ મેઘાણીનો અભ્યાસ:
ઝવેરચંદ મેઘાણી નો પ્રાથમિક અભ્યાસ રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી વગેરે જગ્યાએ થયો હતો
તેઓ અમરેલીમાં 1910 થી 1912 સુધી માધ્યમિક શિક્ષણ મેળવીને 1912 માં મેટ્રિક થયા હતા. ત્યારબાદ થોડા મહિના જૂનાગઢ ની બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કર્યા બાદ ભાવનગર ના શામળદાસ વિદ્યાલય માં જઈને ત્યાંથી અંગ્રેજી અને સંસ્કૃત સાથે બી.એ થયા.
ભાવનગર ની હાઈસ્કૂલ માં થોડા સમય શિક્ષક તરીકે નોકરી કરી તથા સાથે સાથે એમ.એ નો અભ્યાસ પણ કરતા હતા. પરંતુ કૌટુંબિક પરિસ્થિતિ ના કારણે અભ્યાસ અને નોકરી મૂકી ને કલકત્તા જઈને જીવણલાલ એન્ડ કંપની ની પેઢી માં જોડાયા ત્યાં તેઓ બંગાળી સાહિત્ય ના પરિચય માં આવ્યા. આ પેઢી ના માલિક સાથે ચાર મહિના માટે ઇંગ્લેન્ડ નો સફર પણ કર્યો. પરંતુ ઇંગ્લેન્ડ માં કાર્ય ના ફાવતા તેમના માલિક સાથે કલકત્તા પરત ફર્યા અને અઢી ત્રણ વર્ષ કાર્ય કર્યા બાદ પણ મન માનતું ન હોવા થી અને કાઠિયાવાડ પરત બોલાવતું હોય તેમ તેઓ 1921 ની સાલ માં પરત આવ્યા.
ઝવેરચંદ મેઘાણી નું સાહિત્ય માં પ્રદાન:
કલકત્તા થી પરત ફર્યા બાદ બગસરા માં સ્થાયી થયા અને રાણપુર થી પ્રકાશીત થતા “સૌરાષ્ટ્ર” નામના અખબાર માં લખવાની શરૂઆત કરી 1922 થી 1935 દરમ્યાન તેઓ સૌરાષ્ટ્ર ના તંત્રી ની ભૂમિકા ભજવી ત્યારબાદ સમય જતા તેમણે “ફૂલછાબ” નામના અખબાર માં લઘુકથાઓ લખવાનું શરૂ કર્યું.
આ સમયગાળા દરમ્યાન ઝવેરચંદ મેઘાણી એ જેતપુર ના દમયંતીબેન સાથે 1922 માં લગ્ન કર્યા પરંતુ તે લગ્ન લાંબો સમય ના રહ્યા અને 1933 માં દમયંતીબેન નું નિધન થયું.
1934 ની સાલ માં મેઘાણી મુંબઈ સ્થાયી થયા અને નેપાળ ના હરિહર શર્મા અને દુર્ગાદેવી ના વિધવા પુત્રી ચિત્રાદેવી સાથે વિવાહ કર્યા. ત્યારબાદ મુંબઈ માં જ તેમણે “જન્મભૂમિ” નામના અખબાર માં કલમ અને કિતાબ ના લેખ લખવાની શરૂઆત કરી અને સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરૂઆત કરી હતી.
1936 થી 1945 માં સમયગાળા દરમ્યાન “ફૂલછાબ” માં સંપાદક ની ભૂમિકા ભજવી હતી અને આજે પણ ફૂલછાબ અખબાર ચાલુ છે જે મેઘાણી ની યાદ ને આજે પણ વાગોળે છે.
ઝવેરચંદ મેઘાણીની કૃતિઓ:
સ્વતંત્ર લેખ લખવાની શરૂઆત કરી જેમાં તેમણે સૌપ્રથમ કુરબાની ની કથાઓ ની રચના કરી જે તેમની પ્રથમ પ્રકાશીત પુસ્તક હતી. ત્યારબાદ સૌરાષ્ટ્ર ની રસધાર લખી અને બંગાળી સાહિત્યમાં થી ભાષાંતર કરવાની પણ શરૂઆત કરી હતી. સૌરાષ્ટ્ર ની રસધાર આજે પણ લોકસાહિત્ય ની આબેહૂબ તસવીર કંડારી રહ્યું છે.
1926 માં વેણીના ફૂલ નામના કાવ્ય થી તેમણે કવિતા ક્ષેત્રે પગલાં માંડ્યા. 1928 માં તેમને તેમના સાહિત્ય માં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક થી નવાજવામાં આવ્યા હતા.
રણજિતરામ સુવર્ણચંદ્રક સ્વીકારતા મેઘાણીએ મહાનતા ન દેખાડતા કહ્યું હતું કે, “શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્ય વચ્ચે સેતુ બાંધે છે. સાથોસાથ અમો સહુ અનુરાગીઓમાં વિવેક, સમતુલા, શાસ્ત્રીયતા, વિશાલતા જન્માવે છે”
28 એપ્રિલ 1930 ના રોજ અદાલત માં બધા ની હાજરી વચ્ચે તેમણે તેમનું સ્વરચિત ગીત “છેલ્લી પ્રાથના” ગાયું અને ત્યાં હાજર વિશાળ જનમેદની અને મેજિસ્ટ્રેટ સહિત સૌની આંખો ભીની થઈ ગઈ.
ત્યારબાદ 1942 ની સાલ માં “મરેલાના રૂધિર” નામ ની પોતાની પુસ્તિકા પ્રસ્તુત કરી 1946 માં તેમની પુસ્તક માણસાઈ ના દીવા ને મહીડા પારિતોષિક પ્રાપ્ત થયું હતું. અને તે જ વર્ષે ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગ ના વડા તરીકે નું પદ પ્રાપ્ત થયું હતું.
ઝવેરચંદ મેઘાણીએ 4 નાટકગ્રંથ, 7 નવલિકા સંગ્રહ, 1 નવલકથા, 6 ઇતિહાસ, 13 જીવનચરિત્રની તેમને રચના કરી હતી. તેમણે લોકસેવક રવિશંકર મહારાજની અનુભવેલ કથાઓનું “માણસાઇના દીવા” માં વાર્તારુપે નિરુપણ કર્યુ છે. મેઘાણી તેમના લોકસાહિત્યમાં સૌરાષ્ટ્રની ધિંગી તળપદી બોલીની તેજસ્વિતા અને તાકાત પ્રગટાવી શક્યા છે. તુલસીક્યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર, અપરાધી વગેરે તેમનું નોંધપાત્ર સર્જન છે.
ઝવેરચંદ મેઘાણી ને રાષ્ટ્રીય શાયરનું બિરુદ અપાવનાર “યુગવંદના” (1935) માં વીર અને કરૂણરસવાળાં, લોકલય અને ચારણી છટાવાળાં રાષ્ટ્રભક્તિનાં, પીડિતો પ્રત્યેની અનુકંપાનાં, “Somebody’s Darling” કાવ્ય પરથી રૂપાંતરિત કે સૂચિત એવાં “કોઈનો લાડકવાયો’” જેવાં કથાગીતો અને આત્મસંવેદનનાં કાવ્યો છે. “એકતારો” (1947) નાં સુડતાલીસ કાવ્યોમાં કાવ્યત્વ કરતાં પ્રચારલક્ષિતા વિશેષ છે. “બાપુનાં પારણાં” (1943) માં ગાંધીજી વિષયક કાવ્યો જેમાં “છેલ્લો કટોરો ઝેરનો” પણ સમાવેશ થાય છે. “રવીન્દ્રવીણા” (1944) માં રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યસંગ્રહ “સંચયિતા”નાં કાવ્યો પરથી રચાયેલાં રૂપાંતરિત કે અનુસર્જનરૂપ કાવ્યો છે.
ઝવેરચંદ મેઘાણી ની પ્રખ્યાત કૃતિઓ:
- કુરબાની ની કથાઓ
- ડોશીમા ની વાતો
- સૌરાષ્ટ્ર ની રસધાર – ભાગ ૧,૨,૩,૪,૫
- સોરઠી બહારવટિયા – ભાગ ૧,૨,૩
- કંકાવટી ભાગ – ૧,૨,૩
- સોરઠી ગીતકથાઓ
- યુગવંદનાં
- રઢિયાળી રાત ભાગ – ૧,૨,૩,૪
- સોરઠ તારાં વહેતાં પાણી
- તુલસી ક્યારો
- માણસાઈ ના દીવા
- સિંધુડો
- એકતારો
- દરિયાપારના બહારવટિયા
- જેલ ઓફિસ ની બારી
- સોરઠ ને તીરે તીરે
- સમરાંગણ
- કિલ્લોલ
- વેવિશાળ
- અપરાધી
- સોરઠી સંતો
- લોકસાહિત્ય: ધરતીનુ ધાવણ ભાગ – ૧,૨
- મન મોર બની થનગાટ કરે
- રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
- શિવાજીનું હાલરડું
- રક્ત ટપકતી સો સો ઝોળી
ઝવેરચંદ મેઘાણી નું આઝાદી ના સંગ્રામમાં યોગદાન:
ઝવેરચંદ મેઘાણીએ આઝાદી સમયે ઘણા કાવ્યો, લેખો લખ્યા હતા અને તેમનો તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ “સિંઘુડો” એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે ઇ.સ. 1930 માં ઝવેરચંદ મેઘાણી ને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર ‘ઝેરનો કટોરો’ કાવ્યની રચના કરી હતી. અને ત્યારબાદ ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં.
ઝવેરચંદ મેઘાણી નું નિધન:
ઝવેરચંદ મેઘાણી નું બોટાદ માં તેમના નિવાસસ્થાને 9 માર્ચ 1947 ના દિવસે 50 વર્ષ ની વયે હ્રદયરોગ ના હુમલાથી નિધન થયું હતું.
ભારતીય ટપાલ વિભાગ દ્વારા 14 સપ્ટેમ્બર 1999 ના રોજ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
અને અંતે:
જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવા વિનંતી.