ગુજરાતી ભાષા માં સાહિત્યકારો એ ખુબ જ ઉમદા ગઝલ સંગ્રહ આપી છે. આધુનિક સમય ના કહેવાતા સાહિત્યકારો ના ગઝલ સંગ્રહો માં થી ખાસ ચૂંટેલા શેર ને પસંદ કરી ને આજે અમે તમારી સમક્ષ લઇ ને આવ્યા છે ૧૦૧ શ્રેષ્ઠ ગુજરાતી શાયરી સંગ્રહ.
આધુનિક યુગ ના સાહિત્યકારો માં મરીઝ, ખલીલ ધનતેજવી, સૈફ પાલનપુરી, શૂન્ય પાલનપુરી, શેખાદમ આબુવાલા, જલન માતરી, બરકત વિરાણી, ચીનુભાઈ મોદી, આદિલ મન્સૂરી, રમેશ પારેખ, હરીન્દ્ર દવે, અમૃત ઘાયલ વગેરે…. સાહિત્યકારો નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો – છ અક્ષર નું નામ – રમેશ પારેખ
“વાત મારી જેને સમજાતી નથી
તે ગમે તે હોય ગુજરાતી નથી”
~ ખલીલ ધનતેજવી
ખલીલ ધનતેજવી ની ગુજરાતી શાયરી:
- ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું, ફરક શું પડશે કોઈના અહીં હોવા ના હોવાથી.
- અમારે રાખ માં થી પણ બેઠા થવું પડશે, નહિ જંપે અમારા રેશમી સપનાઓ સળગીને
- ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી, હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું
- ને ખલીલ, એવું થયું કે છેક અંતિમ શ્વાસ પર, મોતને વાતોમાં વળગાડીને હું સરકી ગયો.
- હું ખલીલ એવા સમયમાં છું હવે, જ્યાં સદી કરતાંય ક્ષણ મોટી મળી.
- તમે મન મુકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે
- આજે મર્યો છું એ પ્રથમ ઘટના નથી, જીંદગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો છું
- મર્દ છું, અશ્રુ વગર પણ રડતાં ફાવે છે મને, જોઈ લો એકે ઉઝરડો મારા ચહેરા પર નથી.
- વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે, તરણું ઊખડી જાય તો કે’જે મને, જિંદગી તારાથી હું થાક્યો નથી, તું જો થાકી જાય તો કે’જે મને
- આપણે બંને પરસ્પર એવી ઇચ્છા રાખીએ, દીવો મારા ઘરમાં સળગે રોશની તમને મળે!
ખલીલ ધનતેજવી વિશે ટુંકી માહિતી:
ખલીલ ધનતેજવી નો જન્મ વડોદરા જીલ્લા ના ધનતેજ ગામ ખાતે થયો હતો. તેમનું મૂળ નામ ખલીલ ઇસ્માઇલ મકરાણી હતું તેમણે તેમના ગામ ના નામ ધનતેજ પર થી પોતાના નામ માં ધનતેજવી ઉમેર્યું હતું.
ખલીલ ધનતેજવી એ ગઝલસંગ્રહ, નવલકથાઓ, પત્રકાર તરીકે ની બહુમુખી પ્રતિભા ના ધની હતા. તેમનાં પ્રખ્યાત ગઝલસંગ્રહ માં થી આજે ચુંટેલા શેર (ગુજરાતી શાયરી) ને અહીં પ્રસ્તુત કરવા માં આવી છે
જલન માતરી ની ગુજરાતી શાયરી:
- શ્રદ્ધા હોય વિષય તો પુરાવા ની શી જરૂર?કુરાન માં તો ક્યાંય પયંબર ની સહી નથી.
- મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’, જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
- કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નીજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
- જગત ના તત્વજ્ઞાનીઓ માં મારું નામ લેવાશે, સરળ વાતો ને હું જ્યારે ચુંથતો થઈ જઈશ.
- હશે તો ઉઠી દોડવા માંડશે, તું પ્રારબ્ધ ને લાત મારી તો જો
- ભરેલા છે તો પણ વરસતા નથી, આ વાદળ નકામા છે ખસતા નથી
- તમે પણ દુશ્મનો, ચાલો આ મારા સ્નેહીઓ સાથે, એ કબ્રસ્તાન થી આગળ મને ક્યાં લઈ જવાના છે?
- ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર, ખુદા જેવા ખુદા ના ક્યાં બધા સર્જન મજાના છે?
- કયામત ની રાહ એટલે જોઉં છું કે, ત્યાં તો જલન મારી માં પણ હશે.
- હું જો અનુકરણ ન કરું તો કરું યે શું ? અહીંયા મરી જવાનો પ્રથમથી જ રિવાજ છે.
જલન માતરી વિશે ટુંકી માહિતી:
જલન માતરી નો જન્મ ગુજરાત ના ખેડા જિલ્લાના માતર તાલુકા માં થયો હતો જલન માતરી એ પણ ગામ ના નામ પર થી અટક અપનાવી હતી. તેમનું મૂળ નામ જલ્લાલુદીન સઆહુદીન અલવી હતું.
તેમણે જલન, શુકન, સુખવતર, તપિશ વગેરે જેવા ગઝલસંગ્રહ આપ્યા છે. તેમની પ્રખ્યાત ગઝલસંગ્રહ માં થી અહીં કેટલાક શેર પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
અમૃત ઘાયલ ની ગુજરાતી શાયરી:
- દોસ્ત એટલો જ ફરક છે આ અગરબત્તી ને માણસમાં, એક બળીને સુગંધ આપે છે, એક સુગંધ જોઈને બળે છે!.
- જેની જગતમાં ઉપમા કશે મળે નહીં, જીવન ગતિ ને એવી અનુપમ બનાવીએ.
- હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો, “ઘાયલ” એ શ્વાસ મોતના ફરમાન નીકળ્યા.
- જુવાની ના પુરા બે શ્વાસ પણ લીધા છે ક્યાં “ઘાયલ”, હજુ કંઈ ત્યાગ બાકી છે, હજુ સ્વીકાર બાકી છે.
- એને જે મળ્યું મૌન એ પણ અતિ સુરીલું મળ્યું, અમને મળ્યા અવાજ એ પણ ઘોઘરા મળ્યા.
- આ મારી શાયરી તો સંજીવની છે ઘાયલ, શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.
- છે આબરૂનો પ્રશ્ન! ખબરદાર પાંપણો, જાણી ન જાય કોઈ કે આંખો સજલ હતી.
- મુસીબત ના દહાડા એ કસોટી ના દહાડા છે, છે પાણી કેટલું કોનાં મહી જોવાઈ જાય છે.
- કોણે કહ્યું ખાલી હાથે મરી જવાના? દુનિયાના થી દિલના ચારે છેડા ભરી જવાના.
- રસ્તો નહિ જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મુંજાઈ મન માં મરી જવાના.
અમૃત ઘાયલ વિશે ટુંકી માહિતી:
મૂળ નામ અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ પરંતુ ગુજરાતી સાહિત્ય માં અમૃત ઘાયલ ના નામ થી રચનાઓ રચી ને પ્રચલિત થયા હતા. રાજકોટ ના સરધાર ખાતે જન્મ થયો હતો.
અમૃત ઘાયલ ની પ્રખ્યાત ગઝલસંગ્રહ માં શુળ અને શમણાં, રંગ, રૂપ, ઝાંય, અગ્નિ, ગઝલ નામે સુખ… જેવા સાહિત્ય ની રચના કરી હતી.
શૂન્ય પાલનપુરી ની ગુજરાતી શાયરી:
- “શૂન્ય” મારી જિંદગી ને તો જ લેખું ધન્ય હું, મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ મા ગુજરાત ની.
- આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો, દિલમાં કોઇની યાદનો રાજ્યાભિષેક છે.
- ત્રાસી ગયો છું એટલો એક જ અનુભવે, બીજો ખુદા નિભાવી શકું એ જીગર નથી.
- કાબા ને સોમનાથ ને પાષાણ ભિન્ન છે, સમજી શકો તો એ થી વધુ ફેર કંઈ નથી.
- તું આવ કે ન આવ જશે તું જ ખોટમાં, પૂજા તો થઈ શકે છે ગમે તે પ્રતીક થી.
- જીવન અર્પણ કરી દીધું, કોઈ ને એટલા માટે, મરણ આવે તો એને કહી શકું “મિલ્કત પરાઈ છે”!
- તારો ને મારો મેળ નહિ ખાય ઓ તબીબ, મુજને પડી દરદ ની, તને સારવારની.
- પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે; નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇનાથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે.
- છું શૂન્ય એ ન ભૂલ ઓ અસ્તિત્વના પ્રભુ, તું તો હશે કે કેમ પણ હું તો જરૂર છું…
- જમાનો એને મરણ માને તો ભલે માને, કદમ વળી ગયા મારાં અસલ મુકામ તરફ.!
શૂન્ય પાલનપુરી વિશે ટુંકી માહિતી:
અલી ખાન ઉસ્માન ખાન બલોચ જે તેમના ઉપનામ શૂન્ય પાલનપુરી ના નામ થી પ્રખ્યાત હતા. તેમનો જન્મ અમદાવાદ ના લીલાપુર ખાતે થયો હતો તેમને શૂન્ય નું ઉપનામ અમૃત ઘાયલ દ્વારા આપવા માં આવ્યું હતું.
તેમની ગઝલો માં શૂન્યનું સર્જન, શૂન્યનું વિસર્જન, શૂન્ય ના અવશેષ, શૂન્ય નું સ્મારક, શૂન્ય ની સ્મૃતિ અને શૂન્ય નો વૈભવ નો સમાવેશ થાય છે.
સૈફ પાલનપુરી ની ગુજરાતી શાયરી:
- બે ચાર શ્વાસ લઈને જે બાળક મરી ગયું, એની કને ખુદાની કોઈ બાતમી હતી.
- હવે તો ‘સૈફ’ ઈચ્છું છું કે મૃત્યુ દ્વાર ખખડાવે, ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.
- ઘણા દિવસ પછી બારીએ કાગડો આવ્યો, ને કહી ગયો કે હવે કોઈ આવનાર નથી.
- જંગલનાં એકાંતમાં એને એકલી મૂકીને કોણ ગયું? ચાલો જઈને પૂછીતો લઈએ,કેવી નકશીદાર કબર છે!
- હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો, યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં.
- ‘સૈફ’ આ તાજી કબર પર નામ તો મારું જ છે, પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા?
- અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે, રૂદનમાં વાસ્તવિકતા છે-ને હસવામાં અભિનય છે.
- હવે ક્યાં આગ્રહ છે કે “સૈફ” સાકી હો મદિરા હો, હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.
- મને જોઇ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો, તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.
- શું મારા વેશપલટામાં કોઈ ખામી રહી ગઈ’તી?, અરીસામાં મને મારી જ સૂરત કેમ દેખાઈ?
સૈફ પાલનપુરી વિશે ટુંકી માહિતી:
સૈફુદ્દીન ગુલામ અલી ખારાવાલા મૂળ નામ અને સૈફ પાલનપુરી નું તખલ્લુસ થી જાણીતા થયા હતા. તેમણે શયદા ને પોતા ના ગુરૂ બનાવ્યા હતા.
તેમનાં ગઝલ સંગ્રહો માં હીંચકો અને ઝરૂખો નો સમાવેશ થાય છે.
ચિનુ મોદી ની ગુજરાતી શાયરી:
- ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે, થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.
- સ્વપ્ન ક્યાં મોટી ગજાનું જોઈએ? જીવવા માટે કયા બહાનું જોઈએ, એક જણ સાચું રડે તો બવ થયું, મૌન ક્યાં આખી સભાનું જોઈએ?
- હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને, કોક દરવાજો કરી દે બંધ તો!
- કોઈ ઈચ્છા નું મને વળગણ ન હો, એ જ ઈચ્છા છે હવે એ પણ ન હો.
- જિંદગીભર જાતને અદ્રશ્ય રાખી તેં ખુદા, છેક છેલ્લો ઘાવ કરવા રૂબરૂમાં આવજે.
- આમ તો પર્યાપ્ત છે બે આંખોનો વિસ્તાર પણ,પૂર આવેલી નદીને પટ ઘણો નાનો પડ્યો.
- પથ્થરો પોલા નીકળશે શી ખબર? ને મિત્રો સહુ ભૉળા નીકળશે શી ખબર? એમની આંખો ભીંજાઇ હતી ખરી આંસુઓ કોરા નીકળશે શી ખબર?
- જીવ તો ચાલ્યો ગયો છે ક્યારનો, શ્વાસ ની છે આવ – જા કારણ વગર.
- ક્રોધ મારો જોઈ ને ડરશો નહીં, પુષ્પના ડાઘા કદી પડતા નથી
- જાત ઝાકળ ની છતાં કેવી ખુમારી હોય છે, પુષ્પ જેવા પુષ્પ પર એની સવારી હોય છે.
ચિનુ મોદી વિશે ટુંકી માહિતી:
ઈર્શાદ ના ઉપનામ થી જાણીતા ચીનુભાઈ મોદી કે જેઓ કવિ, લેખક, ટુંકી વાર્તા, વિવેચક હતા. તેમણે 52 થી વધુ પુસ્તકો નું સર્જન કર્યું હતું.
તેમણે ઈર્શાદગઢ, ક્ષણોના મહેલમાં, દર્પણની ગલીમાં વગેરે સાહિત્ય ની રચના કરી હતી
શેખાદમ આબુવાલા ની ગુજરાતી શાયરી:
- જરા ચેતીને આદમ ચાલજો નેતાની સંગતમાં, કે ખિસ્સામાં તો કાંટા છે અધર પર સ્મિત કળીનું છે
- અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં,
- ચાલ્યા છો તમે હાથમાં છત્રી લઈ આદમ, વર્ષામાં કર્યો છે તમે વર્ષાનો અનાદર.
- કયાં હજુ મોત છે થયું પગભર, જિંદગી ચાલ જીવીએ ક્ષણભર”
- સંકલ્પ વિના એ શક્ય નથી, તું રોક નયનના આંસુ મથી, તું હાથની મુઠ્ઠી વાળી જો રેખાઓ બધી બદલાઈ જશે
- કોઈ હસી ગયો.કોઈ રડી ગયો.કોઈ ચડી ગયો.કોઈ પડી ગયો. નાટક હતું મજાનું થઇ આંખો બંધ.ઓઢયું કફન ને પડદો પડી ગયો…!!
- ઉછાળા મારીને અમને ન પાછા વાળ ઓ સાગર, કિનારો આવશે તો ખુદ અમે તોફાન થઈ જાશું…
- તારી પાસે રામ છે, મારી પાસે જામ છે, અર્થ શો વિખવાદનો, બેઉને આરામ છે !
- મોતનું બંધન છતાં કરતો રહ્યો છે માનવી, જિંદગીની માવજત આદમથી શેખાદમ સુધી.
- ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો; અતિ વરસાદ કૈ ખેડૂતને પ્યારો નથી હોતો.
શેખાદમ આબુવાલા વિશે ટુંકી માહિતી:
શેખ આદમ મુલ્લાં શુજાઉદ્દીન આબુવાલા કે જેઓ શેખાદમ ના ઉપનામ થી જાણીતા હતા. તેમણે ગુજરાત સમાચાર માં પત્રકાર તરીકે પણ કાર્ય કર્યું હતું.
તેમની રચનાઓ માં ચાંદની, અજંપો, સોનેરી લટ, હવાની હવેલી, ખુરશી, તાજમહાલ તેમની રચનાઓ છે.
બરકત વિરાણી “બેફામ” ની ગુજરાતી શાયરી:
- બેફામ બંધ આંખે તું કેમ જોઈ શકશે, બેઠા છે મારનારા પણ તારા ખરખરામાં
- જીવ્યો છું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે સદા બેફામ, કબર પર ફૂલ મૂકીને ન કરજો મશ્કરી મારી
- ઓ હ્રદય તેં પણ ભલા કેવો ફસાવ્યો મને, જે નથી મારાં બન્યાં એનો બનાવ્યો છે મને
- બેફામ મારા મૃત્યુ ઉપર સૌ રડે ભલે, મારા જન્મ ઉપર તો ફક્ત હું જ રોઉં છું.
- ફક્ત એથી મેં મારા શ્વાસ અટકાવી દીધાં બેફામ, નથી જન્નત માં જવું દુનિયાની હવા લઈને
- કદર શું માંગુ જીવનની એ જગત પાસે, કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.
- રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી, હતો મારો જ અવસર ને મારી હાજરી નહોતી.
- આ બધા બેફામ જે આજે રડે છે મોત પર, એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.
- બેફામ તોયે કેટલું થાકી જવું પડ્યું, નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
- આ એક ગુનાહ ખુદાએ સ્વીકારવો પડશે, કે જાન લેવા મને એણે મારવો પડશે.
બરકત વિરાણી “બેફામ” વિશે ટુંકી માહિતી:
બરકતઅલી ગુલામહુસેન વિરાણી કે જેઓ બેફામ ના નામ થી પ્રખ્યાત હતા. ભાવનગર માં જન્મેલા બેફામ ગુજરાતી કવિ અને લેખક હતા
જેમણે ઘણી જાણીતી રચનાઓ નયન ને બંધ રાખીને, થાય સરખામણી તો ઊતરતા છીએ, મિલન ના દીપક સૌ બુઝાઈ ગયા છીએ તથા ઘણા ગુજરાતી ફિલ્મો માટે ગીતો પણ લખ્યાં છે.
ગની દહીંવાલા ની ગુજરાતી શાયરી:
- નયન અને નીંદરું વચ્ચે કશો તણાવ હશે, મળી શક્યાં નહિ, પાંપણમાં અણબનાવ હશે.
- સન્માન કેવું પામશો, મૃત્યુ પછી ‘ગની’, જોવા તમાશો કદી, ગુજરી જવું પડે.
- દુનિયામાં ‘ગની’, વ્યાકુળ દિલને ઠરવા ન મળ્યો કોઈ આરો,આ ફરતી પૃથ્વી પણ મારા તકદીરનું ચક્કર લાગે છે.
- “ઊભા છીએ , તખ્તાના પીળા પ્રકાશે, ઢળી પણ પડીશું ! તો અભિનય ગણાશે..”
- દિવસો જુદાઇના જાય છે, એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ ઝાલીને લઇ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
- જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ‘ગની’, હોય ના વ્યક્તિ, ને એનું નામ બોલાયા કરે.
- સળગતો શબ્દ પણ પીંખાયલા પરિવાર જેવો છું, મને ના વાંચ, હું ગઇકાલ ના અખબાર જેવો છું.
- “ગની” નિર્દોષ આશય છે હૃદય સાથે ઝઘડવાનો, કે એમાં જે વસે છે એમનો પરિચય થવા લાગે.
- જો કહું વિનમ્રભાવે તો સૂરજ સુધી ગયો છું, કે નજરનો તાપ જોવા હું નયન લગી ગયો છું.
- ઝાકળ ની દશા માં જીવીને પુષ્પો સમુ વર્તન કોણ કરે! એક આંખ ને હસતી રાખી ને, એક આંખ થી રુદન કોણ કરે
ગની દહીંવાલા વિશે ટુંકી માહિતી:
અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા “ગની દહીંવાલા” ના ઉપનામ થી જાણીતા અને ગાતાં ઝરણાં, મહેક, મધુરપ, ગનીમત, અને નિરાંત જેવી રચનાઓ માં એમના ગીત, ગઝલ અને મુક્તકના સંગ્રહો છે.
હરજી લવજી દામાણી ની ગુજરાતી શાયરી:
- મુજ અંતરને બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું, બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું.
- મને એ જોઈ હસવું હજારવાર આવે છે. પ્રભુ, તારા બનાવેલા આજ તને બનાવે છે.
- તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, હું કહું છું જિંદગી ધોવાય છે.
- આભાર ભરેલા મસ્તકને ઉંચકવું શયદા સહેલ નથી, હું એમ તો મસ્તીમાં આવી, આકાશ ઉઠાવી જાણું છું.
- આમ તો દુનિયામાં ઘણા પ્રાણીઓ ક્રૂર છે, પણ ઘણું કરીને હું તો માણસ થી ડરું છું. “શયદા” મિત્રો નો મને અનુભવ ન પૂછો, હવે હું દુશ્મનો ઉપર ભરોસો કરું છું
- હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?ઊભો છે “શયદા” ઉંબરમાં આવી, ન જાય ઘરમાં – ન બ્હાર આવે.
- તમે તો પ્રાણની પાસે વસો છો, ભુલાવામાં બધી દુનિયા પડી છે
- લડે છે હર ઘડી આશા નિરાશા મુજ હ્રદયમાંહી, કરે છે બા’ર આવીને પરસ્પર પ્યાર આંસુમાં.
- વિશ્વાસ રાખ ‘શયદા’ એક જ ખુદાની ઉપર, બીજાની પાસે જઈ તું શું કામ કરગરે છે?
- આપ અથવા આપની યાદ જો તડપાવે નહીં. તો પછી આ જિંદગાનીમાં મઝા આવે નહીં.
હરજી લવજી દામાણી વિશે ટુંકી માહિતી:
શયદા (પ્રેમ સાથે પાગલ) ના નામથી જાણીતા હરજી લવજી દામાણી એ ગુજરાતી સાહિત્ય ને બેફામ, સૈફ પાલનપુરી વગેરે જેવા સાહિત્યકારો ને ગુજરાતી ભાષા સાથે ભેટો કરાવ્યો હતો.
તેમની ગઝલસંગ્રહ માં જય ભારતી, ગુલ્ઝારે-શાયરી-શયદા, દિપક ના ફૂલ, ચિતા અને અશ્રુ ચાલ્યા જાય છે નો સમાવેશ થાય છે. આ સિવાય નવલકથા અને વાર્તા અને નાટકો પણ લખ્યા હતા.
અને અંતે:
ઉપર દર્શાવેલ શાયરી સિવાય જો અન્ય કોઈ આપની પસંદ ની શાયરી હોય તો આપ નીચે કોમેન્ટ માં જણાવી શકો છો.
જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવા વિનંતી.
Nice
વો મેરી કબર પે હરરોજ આતે હે, અપને નયે હમસફર કે સાથ,
(કમબખ્ત ) કૌન કહેતા હે કે દ્ફ્નાને કે બાદ જલાયા નહિ જાતા.
ઉપરોક્ત પંક્તિના શાયર કોણ છે ?