ગુજરાત માં ઘણા ઉત્સવો ની ઉજવણી કરવા માં આવે છે જેમાં રથયાત્રા ની સાથે અષાઢી બીજ ની પણ ઉજવણી કરવા માં આવે છે.
જેમાં હિંદુ ધર્મમાં તહેવારોનું સવિશેષ સ્થાન છે અને આપણી સંસ્કૃતિ આ તહેવારોને કારણે વધુ જીવંત થઇ ઉઠે છે. અષાઢ મહિનાની શરૂઆત પણ તહેવારથી થાય અને અંત પણ તહેવારથી આવે છે. જેમ અષાઢી બીજને રથયાત્રાનાં પર્વ તરીકે ઉજવવામાં આવે છે, તે જ રીતે અષાઢી અમાસને દિવાસા તરીકે ઉજવવામાં આવે છે. અષાઢી બીજનો દિવસ હિંદુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમાં મહિનાનો બીજો દિવસ છે, જયારે શક સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો બીજો દિવસ છે. ચાતુર્માસનો આરંભ પણ આ મહિનામાં જ થાય છે. અષાઢ મહિનામાં ગૌરીવ્રત,અલુણા જેવા તહેવારો આવે છે. ભારતના કચ્છ જીલ્લાના કચ્છી લોકોના નુતન વર્ષનો આરંભ અષાઢી બીજથી થાય છે. ખેંગારજી પહેલાએ ગુજરાત રાજ્યના કચ્છ જીલ્લાની સ્થાપના સંવત 1605 માં માગશર સુદ પાંચમ ના કરી હતી.
અષાઢી બીજ ની વાર્તા:
લાખો ફૂલાણી જે વિચારવંત રાજવી હતો. અસંખ્ય નવાનવા વિચારો તેના મનમાં જાગતા હતા. જ્યાં સુધી મનને શાંતિ ન થાય ત્યાં સુધી વિચારો કર્યા કરતા એક સમયે આ પૃથ્વીનો છેડો ક્યાં હશે? એવો વિચાર મનમાં આવ્યો અને પૃથ્વીના છેડા માટે પોતાના જાત પ્રયત્નો થવા જોઈએ એવું વિચારી થોડાક સાહસિક બહાદુર યુવાનોને પોતાની સાથે લઈ તે આ શોધમાં નીકળ્યા હતા લાખાજીના આ પ્રયાસને લોકો ‘સૂરજન’ ના નામથી ઓળખે છે. અંતે તેને વિજય પ્રાપ્ત ન થયો અને પાછા ફર્યા તે સમયે અષાઢ માસ શરૂ થયેલો અને ધોધમાર વરસાદથી વનરાજી ઠેર ઠેર ખીલી ઊઠેલી પરિણામે તેનો આત્મા બહુ પ્રસન્ન થયો અને કચ્છનું નવું વર્ષ અષાઢી બીજથી શરુ કરવા સમગ્ર કચ્છમાં ફરમાન મોકલ્યું. આથી છેલ્લા આઠસો વર્ષથી અષાઢી બીજ ધામધૂમથી કચ્છમાં ઉજવાય છે.
આ પણ વાંચો – રથયાત્રા વિશે સંપૂર્ણ માહિતી અને રસપ્રદ માહિતી
અષાઢી બીજ આમ તો આખા ભારતમાં અનેક તહેવારોની જેમ ઉજવાય જ છે. આમ તો આ દિવસે સમગ્ર ભારતનું ધ્યાન ખેચતી જગન્નાથપુરીની રથયાત્રા તથા અમદાવાદની રથયાત્રા (અને દેશના અલગ અલગ શહેરોમાં થતી રથયાત્રા તો ખરી જ) પરંતુ સાથે સાથે આ દિવસે કચ્છીઓ અને જાડેજા નું નવું વર્ષ પણ છે.
લાખો ફુલાણી અને અષાઢી બીજ:
સમગ્ર ભારતના અલગ અલગ પ્રાંતમાં, ધર્મમાં તથા સમગ્ર વિશ્વમાં કોઈને કોઈ ઘટના, કોઈના આગમન, કે ઈશ્વર તત્વના જન્મની કે પછી પાકની વાવણી તથા લણની અલગ અલગ ઘટના ને ધ્યાનમાં રાખીને નવા વર્ષની ઉજવણી થાય છે. એજ રીતે કચ્છના નવા વર્ષ અને ત્યાં સ્થપાયેલ જાડેજા વંશનું આ નવું વર્ષ છે. તેમની વાતો અને ઈતિહાસ ઘણો રસપ્રદ છે.
જાડેજા વંશની ઉત્પત્તિ વિષે વાત કરીએ તો યાદવ કુળમાં આઠમી પેઢીએ શ્રી કૃષ્ણનો જન્મ થયેલો. તેમના પુત્ર અનિરુધ અને બાણાસુરની પુત્રી ઓખાના લગ્ન થયેલા. તેમના દ્વારા જન્મેલ પુત્ર એટલે કે શ્રી કૃષ્ણનો પોત્ર નામે વ્રજનાભના વંશ માંથી જાડેજાઓ ની ઉત્પતિ થાય છે. આ વાતના પુરાવા શ્રીમદભગવદગીતા, હરિવંશ અને મહાભારતમાંથી મળે છે.
જાડેજા વંશના પૂર્વજો સિંધ દેશમાં રહેતા પરંતુ ત્યાં મુસ્લિમ સભ્યતાનો ઉદય અને સમા અને સુમરા રાજપૂતોના કનડગત ને લીધે તેમની નજર કચ્છ પ્રદેશ તરફ હતી. ત્યારે જામ ઉન્નડની છઠ્ઠી પેઢીએ થયેલા ‘જામ જાડો’ ગાદી પર આવ્યા. પરંતુ તેમને કોઈ સંતાન ન હોવાથી ભાઈ વેરેજીના પુત્ર લાખાજીને દતક લીધો. ઘણા વર્ષો પછી જામ જાડાને ઘેર કુવાર ઘાનો જન્મ થયો. મોટા થયા પછી જામ લાખાજી અને કુવાર ઘા વચ્ચે તકરાર થતા. જામ લાખાજી પોતાના જોડિયા ભાઈ લાખીયાર સાથે રણની પેલે પાર પોતાનું નસીબ અજમાવવા કચ્છ પ્રદેશ તરફ વળ્યા.
ઈ.સ. 1149 માં પોતાના ભાઈ લાખીયારના નામ પરથી કચ્છમાં એક ગામનું તોરણ બાંધે છે. (હાલના નાખાત્રના નજીક) અહિયાથી કચ્છમાં જાડેજા રાજનો ઉદય થાય છે. જાડેજા અટક પાછળનું મૂળ કારણ પણ જામ જાડા હતા. જામ જાડાએ દતક લીધેલ પુત્ર એટલે જામ લાખો તેથી તે “જાડાનો” પુત્ર કહેવાય. તેથી તે જાડેજા કહેવાયા. તથા સિંધી ભાષામાં પણ “જાડાનો” એટલે જાડેજો (જાડેજા) કહેવાય છે. આ વાતનો એક દુહો પણ પ્રખ્યાત છે.
“લાખોને લખધીર બને જન્મ્યા જાડા, વેરે ઘર લાખો વડો જે ધું જાડેજા.”
(લાખો ને લખધીર બેઉ બેલડા/જાડા જનમ્યા, વેરેજીનો લાખો મોટો દિકરો જાડેજા થયો.)
ઈ.સ. 1605 માં ‘જામ લાખો ફુલાણી’ જયારે બહારવટું કરીને કચ્છ પરત ફર્યા ત્યારે અષાઢ મહિનાનો પહેલો દિવસ હતો. ત્યારે વરસાદની હેલી ચોમેર પથરાયેલી આ બધાથી ખુસ થયેલ જામ લાખાજીએ અષાઢી બીજને નુતન વર્ષ તરીકે ઉજવાની ઘોષણા કરી. ત્યાર પછી તે દિવસથી આજ સુધી રાજાશાહી અને લોકશાહીમાં દર વર્ષે ધૂમ ધામથી નવું વર્ષ ઉજવાય છે.
અષાઢી બીજ ના દિવસે લોકો નવા કપડાં શીવડાવે. સીમેન્ટના મકાનો તો થોડા હતા. ખાસ કરી ગાર માટીના મકાનોની ઉપર દેશી નળિયાં હોય તેને સંચરાવે. ગોબર- માટીના લીંપણ કરી ઉજળા બનાવે. ઘરના બારણા પર કે પછી ડેલીની બન્ને બાજુ કમાગર પાસે એક તરફ અંબાડીધારી હાથી તો સામે સિંહનું ચિત્ર અને આસોપાલવના પાન અને ફૂલોની વેલનું ચિત્રાંકન કરાવે. ઘરમાં મીઠાઇઓ બનાવે. ઘર અને ડેલી પાસે કોડિયાં મૂકવા ગોખલા હતા તેમાં માટીના કોડિયાં જગમગાવે. આ શણગાર સાથે આતશબાજી પણ ખરી.
રાજદરબાર માં ભારે દબદબાભેર અષાઢી બીજ ની ઉજવણી થતી. રાજદરબાર માં શાસક કે રાજવીને તેમના વહીવટકારો, અગ્રણીઓ, મહાજનો, શ્રેષ્ઠીઓ ભેટ સોગાદ તેમના ચરણમાં મૂકી વંદન કરે. રાજ્યની કચેરીઓ, શાળાઓમાં સાકરના પડા વહેંચાય. કેટલાક અમલદારો રાજવીના ચરણમાં ચલણી નાણા અને શ્રીફળ મૂકીને શુભેચ્છા વ્યક્ત કરે. લોકો રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરી દેવદર્શને જાય. વડીલોના ચરણે સાકર શ્રીફળ મૂકી પાયવંદના કરે. મંદિરોમાં મળસ્કે મંગળા આરતી ગાજી ઊઠે નોબત અને ઘંટારવનો નાદ તો દૂર સુધી સંભળાય.
અષાઢી બીજ ના દિવસે દરિયાકાંઠે વસનારા નાવિકો પોતાના વહાણોને શણગારે. અષાઢી બીજે દરિયાદેવનું અક્ષત, ચંદન, પુષ્પથી પૂજન કરી શ્રીફળ વધેરે. પ્રત્યેક સતી શૂરાના પાળિયાને સીંદુર લગાવી ઘૂપ-દીપ નૈવેદ્યથી પૂજન અર્ચન કરે. આજે પણ કેટલાક લોકો આવું પૂજન અર્ચન કરે છે. અષાઢી બીજ ના આ શુભદિને ભુજની ટંકશાળમાંથી સોના કે ચાંદીના પાંચિયા કે કોરીના સિક્કા બહાર પાડવામાં આવતા. ‘કચ્છી અષાઢી પંચાંગ’ પણ બહાર પાડવામાં આવતું. ભુજમાં દરબારગઢમાં આતશબાજી થતી. કચ્છમાં વ્યાપારીઓ ચોપડા પૂજન કરતા.
હાલના આધુનિક યુગમાં પણ દેશ અને વિદેશમાં વસતા કચ્છીઓ પોતાનો અષાઢી બીજ નો આ તહેવાર આવા જ ઉત્સાહ થી ઉજવે છે. ભલે ઉજવણી રીત આજે કદાચ જુદી હશે પરંતુ તેનો આનંદ તો એક જ હશે. નવા વર્ષનો આનંદ તો છે. સાથે આ વર્ષે કચ્છીઓ માટે બીજા સમાચારના પણ આનંદ હશે કે કચ્છમાં નર્મદા નીર પહોચી ગયા. કચ્છીઓ તથા સમગ્ર જાડેજા પરિવારને નવા વર્ષની ખુબ ખુબ વધામણી.
અષાઢી બીજની શુભકામના સંદેશાઓ:
- અન્ન વધે, ધન વધે, શાંતી વધે, હેત વધે, વધે દયાભાવ, વધે મેણીજો સહયોગ, હીજ અસાજી શુભેચ્છા. આ ભા ભેણે કે, કચ્છી નવે વરે જી લખ લખ વધાઈયું. આવઈ પાંજી કચ્છી અષાઢી બીજ…!
- ગગન ગાજેને મોરલા બોલે, માથે ચમકતી વીજ, એ હાલો પાંજે કચ્છમે, આવી અષાઢી બીજ..
- કોટે મોર ટહુક્યા, વાદળે ચમકી વીજળી, મારો રુદા રાણો સાયભળો, આવી અષાઢી બીજ
- આવર બાવર બોરડી, ફોલ કંઠા ને કખ, હલો હોથલ પાંજે કચ્છડે જેતે માડૂ સવા લખ. કચ્છી નવે વરે જીયું જજી જજી વધાઈયું…!!
અષાઢી બીજ અને રથયાત્રા:
ભારતમાં અષાઢી બીજ ના મહાપર્વે દર વર્ષે ગુજરાતમાં અમદાવાદ અને જગન્નાથપુરીમાં અભૂતપૂર્વ રથયાત્રાના દર્શન પ્રતિવર્ષ લાખો-કરોડો લોકો પ્રત્યક્ષ અને દૂરદર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે અને તે દિવસે જગન્નાથપુરીમાં ભારતની અને વિશ્વની સૌથી મોટી રથયાત્રાનું આયોજન થાય છે જેમાં લાખો લોકો જોડાય છે. આ પ્રણાલી અનેક વર્ષોથી ચાલી આવે છે. જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાનનાં ત્રણ રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે. જેની ઉંચાઇ લગભગ ૪૫ ફુટ (૪-૫ માળ) જેટલી હોય છે. પુરીની રથયાત્રામાં જગન્નાથનાં રથનું નામ નંદીઘોષ છે. તેમજ અંગ્રેજી ભાષામાં, અતિશક્તિશાળી જેને રોકી ન શકાય તેવું, રસ્તામાં આવનાર તમામ અવરોધોને કચડી કાઢનાર, વગેરે અર્થમાં વપરાતો શબ્દ ‘જગરનોટ’ જગન્નાથપુરી ની રથયાત્રા પરથી આવ્યો છે. અષાઢી બીજ એવો તહેવાર છે જે હિંદુ અને મુસ્લિમ ધર્મનો સાથે ઉજવાતો તહેવાર છે. રથયાત્રાને દિવસે નાત જાતના ભેદ ભાવ વગર હર કોઈ દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે. વર્ષારાણી ના આગમન નો મહિનો ગણવામાં આવે છે.
અને અંતે:
જો આપને અમારો આ લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો ના સભ્યો સાથે શેર કરવા વિનંતી.