ગુજરાતી કહેવતો નો અર્થ:
ગુજરાતી કહેવતો એટલે સાદી રીતે કહીએ તો કહેલી વાત અથવા કથન કે લોકો દ્વારા બોલવામાં આવતી વાચા. કવિ નર્મદ કહેવત વિષે જણાવે છે કે ‘પરંપરા થી લોકોમાં કહેવાતું બોધરૂપ, દ્રષ્ટાંતરૂપ વાક્ય, ડાહ્યા માણસો, અનુભવી માણસો દ્વારા જે વચન કહેવાય ગયા છે તે જ કહેવત’.
આ પણ વાંચો – ૨૦૦ થી વધુ પ્રેમ ની શાયરીઓ 2023 (love quotes in gujarati)
કહેવત કોને કહી કોને સૌપ્રથમ લખી તેના વિષે ની કોઈ માહિતી નથી પરંતુ એમ કહી શકાય કે અગાઉ ના સમય માં બની ગયેલા કોઈ પ્રસંગ માં થી અથવા વડવાઓ દ્વારા અથવા સુજ સમજણવાળા માણસો દ્વારા કહેલી વાર્તાલાપ માં થી કહેવત નો જન્મ થયો હોય તેમ કહી શકાય છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે કહેવત એટલે પ્રજા નું ઘૂંટાયેલું ભાષાબદ્ધ થયેલી અનુભવવાણી.
ગુજરાતી કહેવતો માં સમાજ વ્યવહાર નું પ્રતિબિંબ જોવા મળે છે.
આ પણ વાંચો – 10 શ્રેષ્ઠ ગુજરાતી નવલકથાઓ (પુસ્તક રસિયાઓ માટે ખાસ)
ગુજરાતી કહેવતો લોકસંસ્કૃતિ નું દર્પણ છે. એમાં સમાજ વ્યવહાર નું સીધું પ્રતિબિંબ જોવા મળે છે. કહેવત માં વ્યવહારજ્ઞાન નો ખજાનાઓ અને જ્ઞાનવાણી પ્રજાજીવન નું ડહાપણ વગેરે વારસાગત રીતે પરંપરા થી પેઢી દર પેઢી ઉતરી આવે છે ને એમાં સતત વધારો થતો જોવા મળે છે.
નીચે 275 ગુજરાતી કહેવતો તેના અર્થ સાથે દર્શાવેલ છે.
લોભ પર આધારિત ગુજરાતી કહેવતો:
1. અતિ લોભ તે પાપનું મૂળ
- વધુ પડતું લોભ પાપ ને આમંત્રણ આપે છે
2. લોભને થોભ ન હોય
- લોભ કરનાર વ્યક્તિ અટકતો નથી
3. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે
- વધુ પડતો લોભ કરનાર વ્યક્તિ ને છેતરનારા મળી જ રહે છે
4. લોભે લક્ષણ જાય
- વધુ પડતો લોભ કરવા થી નુકસાન થાય છે
5. લાલો લાભ વિના ન લૂટે
- મદદ ની પાછળ પોતાનો લાભ છુપાયેલો હોય
રાજા પર આધારિત ગુજરાતી કહેવતો
6. રાજા કરે રાજ્ય અને પ્રજા સુખી
- રાજા સારું કાર્ય કરે તો પ્રજા સુખી રહે છે
7. ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી?
- એક બીજા ની તુલના ના થઇ શકે તેવું
8. જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી
- જયારે રાજા પ્રજા પાસે થી વેપાર કરવા માંડે ત્યાં પ્રજા ભિખારી બની જાય છે
9. રાજા ને ગમી તે રાણી
- જેવી જેની પસંદગી
10. યથા રાજા તથા પ્રજા
- જેવો રાજા તેવી પ્રજા
11. રાજા કહે તે હા ને બાપ પરણે તે મા
- સતા આગળ શાણપણ ના કરાય
ગાય પર આધારિત ગુજરાતી કહેવતો
12. ગાય દોહી કૂતરાને પાવું
- મહેનત થી મેળવેલું વેડફી નાખવું
13. ગાય પાછળ વાછરડું
- ગાય હોય ત્યાં વાછરડું આવે
14. ગાયને સુખ તો ગર્ભને સુખ
- ગાય ખાય તો તેના પેટ માં ના બચ્ચા ને પણ પોષણ મળે
15. ધર્મ ની ગાય ના દાંત ના જોવાય
- મફત માં મળેલી વસ્તુ માં દોષ ના કઢાય
હાથી પર આધારિત ગુજરાતી કહેવતો
16. હાથી જીવે ત્યારે લાખનો ,મર્યે સવા લાખનો
- જેમ સમય જાય તેમ વધુ મુલ્યવાન બનવું.
17. હાથીના પેટમાં હરડે
- કોઇ મહત્વ ન હોવું
18. હાથી ઘોડા નો ફરક
- માણસ માણસ માં અંતર હોવું
19. હાથીની પાછળ કૂતરા ભસે
- હાથીની પાછળ કુતરા ભસે તેની ચિંતા હાથી ના કરે
20. હાથી દરબારે ને દીકરી ઘરબારે શોભે
- જે જ્યાં યોગ્ય હોય ત્યાં જ શોભે
21. કીડી ને કણ ને હાથીને મણ
- જેની જેવી જરૂરિયાત હોય તેને તેવું મળી જ રહે છે
22. હાથી દાંત નો વેપાર
- મોટો વેપાર હોવો
23. હાથીનો ખરચ દરબારને પોસાય
- હાથી નો ખર્ચ રાજા ને જ પોસાય
પારકા પર આધારિત ગુજરાતી કહેવતો
24. પારકા કજિયા ઉછીના ન લેવાય
- બીજા ના ઝઘડા માં ના પડાય
25. પારકા છોકરાને જતિ કરવા સૌ તૈયાર હોય
- બીજા ને સલાહ શિખામણ આપવા માટે લોકો હમેંશા તૈયાર હોય છે
26. પારકી પીડા કોણ જાણે?
- પારકા ની વ્યથા કોઈક જ જાણી શકે
27. પારકી આશ સદા નિરાશ
- બીજા ઉપર આશા રાખનારી વ્યક્તિ સદા નિરાશ થાય છે
28. પારકી પીડામાં કોણ પડે?
- બીજા ની આફત માં કોણ પડે
29. પારકી પંચાતમાં શું કામ પડવું?
- બીજા વ્યક્તિ ની વાત માં કારણ વગર નું પડવું
30. પારકી મા જ કાન વિંધે
- લોહીનો સંબંધ ન હોય તે વ્યકિત જ કષ્ટદાયક કેળવણી આપી શકે છે.
31. પારકી ચેહમાં તે કોણ મરે?
- પારકી વ્યક્તિ ની ચિંતા માં કોઈ મરી ન જાય
32. પારકે પૈસે દિવાળી
- બીજા ના પૈસે જલસા કરવા
33. પારકે પૈસે પરમાનંદ
- બીજા ના પૈસે આનંદ કરવો
34. પારકે ભાણે લાડુ મોટો દેખાય
- પોતાની વસ્તુ કરતા બીજાની વસ્તુ હમેંશા સારી લાગે
ચોર પર આધારિત ગુજરાતી કહેવતો
35. ચીભડાના ચોરને ફાંસીની સજા
- નાના ગુણ ની મોટી સજા મળવી
36. ચોર કોટવાલને દંડે
- ગુનો કરનાર વ્યક્તિ સામે વળી વ્યક્તિ ને દોષિત જાહેર કરે
37. ચોર પણ ચાર ઘર છોડે
- ચોર પણ આજુબાજુ ના ઘર માં ચોરી ના કરે
38. ચોરની દાઢીમાં તણખલું
- ગુનેગાર પાસે થી જ ગુણ ની બાતમી મળી રહે
39. ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રૂએ
- ચોર ના કર્યો નું દુઃખ એની માં ને થાય પણ તેને બધા થી છુપાઈ ને જ રડવું પડે
40. ચોરનું મોં કાળું
- ખરાબ કામ કરનાર ની હમેંશા ટીકા થતી હોય છે
41. ચોરને ચાંદરણી દેખાય
- ચોર રાત્રી ના સમયે જ જાગે
42. ચોરનો ધણી કોણ થાય?
- ચોર ની માલિકી કોઈ ના લે
43. ચોરને ઘેર ચોર પરોણો
- ચોર ના ઘરે ચોર મહેમાન
44. ચોરનો ભાઈ ઘંટીચોર
- બધા એક સરખા દોષિત હોય
45. ચોરી પર શીનાજોરી
- ચોરી કરવી ને ઉપર થી દાદાગીરી કરવી
46. ચોરના પગ કાચા
- ચોર હમેંશા ડરી ને જ ચોરી કરતો હોય છે
47. ધણીની નજર એક, ચોરની નજર ચાર
- વસ્તુ ના મલિક ની નજર એક પર જ હોય છે જયારે ચોર ચારેબાજુ નજર રાખતી હોય છે
48. એરણની ચોરી ને સોયનું દાન
- ચોરી મોટી વસ્તુ ની કરવી અને દાન નાની વસ્તુ નું કરવું
પાપ પર આધારિત ગુજરાતી કહેવતો
49. પાપ છાપરે ચડીને પોકાર
- ખોટું કાર્ય ક્યારેય પણ છૂપું રહેતું નથી
50. પાપ કરતાં પાછું જોવું
- પાપ કરતી સમયે શું થશે તેનો વિચાર કરવો
51. પેટ કરાવે વેઠ
- પેટ માટે થઇ ને મહેનત કરવી પડે
52. પાપનાં બડબડિયાં બોલ્યા વગર રહે નહિ
- પાપ પ્રકાશ્યા વિના રહી શકે નહિ
53. પાપનો બાપ લોભ
- લોભ એ સૌથી મોટું પાપ છે
ધર્મ પર આધારિત ગુજરાતી કહેવતો
54. ધર્મ કરતાં ધાડ પડી
- સારું કરવા જતા નુકસાન થવું
55. ધર્મ ધક્કો
- કોઈ ફાયદા વિના નો ધક્કો થવો
56. ધર્મ નાં ઊંડાં
- ધર્મ માં ચુસ્તપણે માનનારા
57. ધર્મ ની વાતમાં ઢીલ નહિ
- ધર્મ ના કામ માં મોડું ના કરાય
58. ધર્મ માં ને કરમમાં ભાગ નથી
- ધર્મ અને કર્મ માં કોઈ ભાગ ના પડાવી શકે
સાપ પર આધારિત ગુજરાતી કહેવતો
59. ગ્રહણ ટાણે સાપ નીકળવો
- મુખ્ય સમયે સમસ્યા આવવી.
60. સાપને ઘેર પરોણો સાપ
- એક ભૂખ્યો બીજા ભૂખ્યા ને શું જમાડે?
61. ઝાઝી કીડી સાપને ખાઈ જાય
- સંપ અને એકતા હોય તો મોટી આપત્તિ ને પણ ઓળંગી જવાય
62. સાપે છછૂંદર ગળવું
- કામને પૂર્ણ કરવા જતા એવા સંજોગો થાય કે પૂર્ણ કરવા માં પણ નુકસાન અને છોડી દેવા માં પણ નુકસાન
63. દૂધ પાઈને સાપ ઉછેરવો
- આશ્રય આપી ને ઉપાધિ ને આમંત્રણ આપવું
64. સાપ ગયા અને લીસોટા રહ્યા
- દુર્જન વ્યક્તિ ના ગયા પછી પણ તેના ખરાબ કામો ના કારણે તે ખરાબ જ કહેવાય
65. સાપના દરમાં હાથ નાખવો
- મુશ્કેલી ને આમંત્રણ આપવું
66. સંઘર્યો સાપ પણ કામ આવે
- સંભાળી ને રાખેલી વસ્તુ ગમે ત્યારે કામે આવી શકે છે
આંગળી પર આધારિત ગુજરાતી કહેવતો
67. આંગળી આપતાં પહોંચે વળગવું
- જરાક આવકાર આપતા પૂરું લઇ લેવું
68. આંગળીથી નખ વેગળા જ રહે
- પારકા કોઈ દિવસ પોતાના ન થાય
69. આંગળીના વેઢે ગણાય એટલાં
- આસાની થી ગણી શકાય એટલા
રાત પર આધારિત ગુજરાતી કહેવતો
69. રાત ઓછી ને વેશ ઝાઝા
- સમય ઓછો હોય અને કામ વધુ હોય
70. રાત અને વાત નીઠાતાં નીઠે નહિ
- રાત અને વાત જલ્દી ખૂટે નહિ
71. રાતે બોલ્યા દિવસે ફોક
- વચન નું પાલન ન કરવું
નસીબ પર આધારિત ગુજરાતી કહેવતો
72. નસીબ અવળા હોય તો ભોંયમાંથી ભાલા વાગે
- નસીબ ખરાબ હોય તો ગમે ત્યાં થી પરેશાની આવી શકે છે
73. નસીબ બેઠેલાનું બેઠું રહે, દોડતાનું દોડતું રહે
- જેનું નસીબ કામ ના કરતુ હોય તેનું નથી કરતુ એનું નથી કરતુ અને જેનું કરે છે તેનું નસીબ દોડતું રહે છે
74. નસીબનો બળિયો
- નસીબ થી બળવાન હોય
હાથ પર આધારિત ગુજરાતી કહેવતો
75. ઝાઝા હાથ રળિયામણા
- જેટલા લોકો વધુ હોય તેટલું સારું
76. ડાબા હાથની વાત જમણા ને ખબર ન પડે
- સારું કરેલું કાર્ય અન્ય વ્યક્તિ ને ખબર ના પડવી
77. ડાબા હાથનો ખેલ
- રમત જેવી વાત હોવી
78. ડાબા હાથે ચીજ મુકી દેવી
- વસ્તુ આડી અવળી મૂકી દેવી
79. બેઉ હાથમાં લાડવા
- બંને બાજુ ફાયદો હોવો
80. માથે હાથ રાખવો
- દયા દ્રષ્ટિ બનાવી રાખવી
81. બે હાથ વિના તાળી ન પડે
- જો કોઈ કાર્ય માં એકતા હોય તો તેમાં સફળતા જલ્દી પ્રાપ્ત થાય છે
82. કોલસાની દલાલીમાં હાથ કાળા
- દુર્જન સાથે કામ પડવાથી કલંક લાગે
83. હાથનાં કર્યાં હૈયે વાગ્યાં
- પોતાની ભૂલનો પોતે ભોગ બનવું
84. હૈયું કરતાં હાથ બાળવા સારા
- બીજા પાસે કામ કરાવી પસ્તાવા કરતાં જાતે કરી લેવું સારું
85. એક હાથે તાળી ન પડે
- વિના સહકાર નહીં ઉદ્ધાર
માણસ પર આધારિત ગુજરાતી કહેવતો
86. ઊંધી ખોપરીનો માણસ
- મગજ નો ફરેલો માણસ
87. ડૂબતો માણસ તરણું પકડે
- હતાશ થયેલી વ્યક્તિ નાની વાત ના સહારે પણ તારી જાય છે
88. બે બદામનો માણસ
- એક વાત પર ટકી ના રહે તેવી વ્યક્તિ
89. માણસ માત્ર ભૂલને પાત્ર
- માણસ થી ભૂલ થાય એ સ્વાભાવિક છે
90. માણસ વહાલો નથી માણસનું કામ વહાલું છે
- માણસ કરતા તેના કામ નું વધારે મહત્વ હોય છે
આંકડા પર આધારિત ગુજરાતી કહેવતો
91. એક કરતાં બે ભલા
- એક કરતા બે લોકો હોય તો ફાયદો થાય
92. એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવું
- વાત ને ધ્યાન માં ના લેવી
93. એક કાંકરે બે પક્ષી મારવા
- એક સાથે બે કામ કરવા
94. એક ઘા ને બે કટકા
- તાતકાલિક પરિણામ મેળવવું
95. એક ઘાએ કૂવો ન ખોદાય
- તાત્કાલિક કોઈ કાર્ય ના થાય વાર લાગે
96. એક પગ દૂધમાં ને એક પગ દહીંમાં
- બંને બાજુ થી ફાયદો લેવો
97. બાવાના બેય બગડયા
- એક સાથે બે કામ કરવા અને બંને બાજુથી પસ્તાવું
98. એક ચિનગારી વન બાળે
- નાની એવી વાત માં થી પરિસ્થિતી ખરાબ થઈ શકે છે.
99. એક મ્યાન માં બે તલવાર ન સમાય
- એક સમાન વ્યક્તિ એક સ્થાને ન રહી શકે.
100. એક જાળામાં સો સાપ દેખ્યા
- મોટી મોટી વાતો કરવી
101. સો દહાડા સાસુના તો એક દહાડો વહુનો
- દરેકનો વારો કોઈ વાર આવે.
102. સો મણ તલે અંધારું
- અન્યાય થવો
103. આભ જમીન એક કરવાં
- સખત પ્રયત્ન કરવો.
104. એક કરતાં બે ભલા
- એકથી વધારે માણસો હોય તો અનુકૂળતા સારી રહે .
105. એક તો કારેલું ને પાછું લીમડે ચઢયું
- મૂળમાં વાંકું અને વળી બહાનું મળી જવું.
106. એક પગ દૂધમાં એક પગ દહીંમાં
- બંન્ને પક્ષો સાથે સંબંધ રાખી લાભ લેવો.
107. એક સાંધીએ ત્યાં તેર તૂટે
- એક મુશ્કેલીથી માંડ માર્ગ કાઢીએ ત્યાં બીજી મુશ્કેલી આવી ઉભી રહે.
108. એકડાં વગરનાં મીંડાં
- કિસમત વગરનું હોવું
109. એક ભવમાં બે ભવ કરવા
- ધર્મભ્રષ્ટ થવું અથવા બીજા લગ્ન કરવા
110. બાવાનાં બે બગડ્યા
- બંને બાજુ થી પસ્તાવુ
111. બેની લડાઈમાં ત્રીજો ફાવે
- બે માણસ ના ઝઘડા માં ત્રીજા ને ફાયદો થાય
112. એક સાંધે ત્યાં તેર તૂટે
- એક મુશ્કેલી માં થી નીકળે ત્યાં બીજી મુશ્કેલી માં પડવુ
113. તાંબા ની તોલડી તેર વાના માંગે
- ઘરસંસાર માંડો ત્યારે ઘણી સાધનસામગ્રી જોઈએ
પાણી પર આધારિત ગુજરાતી કહેવતો
114. ડાંગે માર્યા પાણી જુદા ન પડે
- એક લોહીવાળા માં જલ્દી ઝઘડો ન થઇ શકે
115. અન્ન તેવું મન અને પાણી તેવી વાણી હોય
- જેવા ખાનપાન એવા જ બુદ્ધિવર્તન થાય
116. નેવાના પાણી મોભે ના ચડે
- જે વસ્તુ અશક્ય છે તે શક્ય ન બની શકે
117. પથ્થર ઉપર પાણી
- કોઈ વાત ની અસર ના થવી
118. પાણી વલોવ્યે માખણ ન નીકળે
- ખોટી મહેનત કરવાનો કોઈ અર્થ નહિ
119. પાણી પહેલા પાળ બાંધી લેવી સારી
- કોઈ પણ કામ કર્યા પહેલા તેની ચિંતા કરવી
120. પાણીમાં થી પોરા કાઢવા
- વ્યર્થ મહેનત કરવી
ઘર પર આધારિત ગુજરાતી કહેવતો
121. ઘેર ઘેર માટીનાં ચૂલા
- બધા ઘરે એક સરખી પરિસ્થિતી હોવી
122. હસે તેનું ઘર વસે
- આનંદમાં રહેવાથી જીવન સમૃદ્ધ બને છે
123. છાશમાં માખણ જાયને ઘરનાં ગમાર ગણાય
- નુકસાન ખમવું ને મુર્ખ દેખાવું
124. કાચનાં ઘરમાં રહેવું ને કાંકરી મારવી
- પોતાનો દોષ હોવા છતાં બીજાનો દોષ કાઢવો
125. ગામમાં ઘર નહિ સીમમાં ખેતર નહિ
- સાવ પૈસા વિના ની હોવી
126. ગોર પરણાવી દે, ઘર ન માંડી દે
- વ્યક્તિ એક વાર મદદ કરી દે દરવખતે તેના પર આધારિત ના રહેવાય
127. ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો
- પોતાના ભૂખ્યા રહે અને બહાર ના ને જમાડવા
128. ઘરના ભુવા ને ઘરના ડાકલાં
- બધો લાભ પોતા નો જ હોવો
129. ઘર ફૂટ્યે ઘર જાય
- ઘર ની વ્યક્તિ માં કુસંપ થાય તો નુકસાન ઘર માં જ થાય
130. ઘરકી મુરગી દાલ બરાબર
- ઘર ની વ્યક્તિ નું મહત્વ ના હોવું
131. દુનિયાનો છેડો ઘર
- માણસ દુનિયા માં ગમે ત્યાં ફરે પરંતુ અંતે તો શાંતિ તો તેને ઘરે પહોંચ્યા બાદ જ મળે
જીવ પર આધારિત ગુજરાતી કહેવતો
132. અફીણ નો જીવડો સાકરમાં ના જીવે
- ખરાબ વાતવરણ માં ટેવાયેલો માણસ સારા વાતાવરણ માં ન રહી શકે
133. જીવતો નર ભ઼દ્રા પામે
- જીવીએ તો જીવનું કલ્યાણ થાય.
134. નાદાનની દોસ્તી ને જીવનું જોખમ
- મુર્ખ સાથેની મિત્રતા નુકસાનકારક સાબિત થાય છે
135. જીવ્યા કરતાં જોયું ભલું
- જીવન જીવ્યા કરતા અનુભવ વધુ હોવો
136. જીવતા જગતિયું કરવું
- જીવતા જીવ ઈચ્છાઓ પૂર્ણ કરવી
137. અણીનો ચૂક્યો સો વરસ જીવે
- એકવાર બચી જાય તેનું જીવન લાબું હોય છે
138. શિર સલામત તો પઘડિયાં અનેક
- વ્યક્તિ જીવંત હોય તો તેને પોષણ મળી રહે છે
139. કાયા કાચો કુંભ
- જીવન ક્ષણભંગુર છે
140. દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે
- પોતાનો વારસાગત ધંધો વ્યક્તિ અંત સુધી ના છોડે
રામ પર આધારિત કહેવતો
141. મુખ માં રામ ને બગલ માં છૂરી
- દેખાવે સારું પરંતુ દિલ થી કપટી હોવુ
142. રામ રાખે તેને કોણ ચાખે
- જેની રક્ષા ભગવાન કરે તેને કઈ ના થાય
143. રામ બોલો ભાઈ રામ થઈ જવું/રામશરણ પહોંચવું
- મૃત્યુ થઇ જવું
પશુ પક્ષી પર આધારિત ગુજરાતી કહેવતો
144. ઊંટ મરે ત્યારે મારવાડ સામું જુએ
- જેનું દિલ જ્યાં લાગેલું હોય તેનું જ સ્મરણ થાય.
145. ઊંટ મૂકે આકડો ને બકરું મૂકે કાંકરો
- બધા એ બધી વસ્તુ ન ખવાયા.
146. ચકલી નાની ને ફડકો મોટો
- ગજા બહાર ની વાત કરવી
147. શિયાળ તાણે સિમ ભણી ને કૂતરું તાણે ગામ ભણી
- સૌ પોતપોતાના જ લાભ જોતું હોય
148. ભેંશ આગળ ભાગવત
- જ્ઞાન વગર ના ને ઉપદેશ આપવો
149. મોર ના ઈંડા ચીતરવા ના પડે
- હોશિયાર માતા પિતા ના સંતાન માં કઈ કહેવાપણું ના હોય
150. કાગડો ચાલે મોરની ચાલ
- દેખાદેખી કરવી
151. કાગડા ની કોટે રતન બંધાયું
- અયોગ્ય જોડી થવી
152. ઘો મરવાની થાય ત્યારે અવાડે જાય
- વિનાશ થવા નો હોય ત્યારે અવળી બુદ્ધિ સુજે
153. રાંટી ઘોડી એ પલાણ માંડી
- હલકી વસ્તુ થી કામ લેવું
154. લેવા ગયો બકરી ને ખોળ આવ્યો ઊંટ
- થોડું સુખ લેવા જતા મોટી પીડા આવવી
155. ભસતો કૂતરો ભાગ્યે જ કરડે
- મોટી મોટી વાતો કરનાર કંઈ કરી શકતા નથી
156. ઝાઝી કીડીઓ સાપને તાણે
- કોઈ કામ માં એકતા હોય તો અશક્ય કામ પણ શક્ય બની શકે
157. કાગડો ઊજળો થાય એટલે હંસનો બને
- ગમે તેટલા બાહ્ય પ્રયત્નો છતાં દુર્જન સજ્જન ન બને
158. કાગના ડોળે રાહ જોવી
- કોઈ વસ્તુની આતુરતાપૂર્વક રાહ જોવી
159. કાગનો વાઘ કરવો
- નાની વાત ને વધારી ચડાવી ને બતાવવી
160. ઊડતાં પંખીને પાડવા
- ધાર્યું કામ પાર પાડવામાં હોશિયાર હોવું.
161. કાળા અક્ષર ભેંસ બરાબર
- અજ્ઞાનીને કશાનું મહત્ત્વ નહિ.
162. પાપળી ભેગી ઈયળ બફાય
- સારા ભેગું ખરાબ પણ પીસાય જાય
163. મેરી બિલ્લી મુજસે મ્યાંઉં
- પોતાના જ દગો કરે
164. શેરને માથે સવા શેર
- દુનિયામાં એકબીજાથી બળવાન વ્યક્તિ તો હોવાના જ
165. સો ઉંદર મારીને બિલ્લી હજ પઢને ચલી
- અનેક ખરબ કર્મો કરીને ધર્માત્મા બનવાનો દંભ કરવો.
166. સિંહનાં ટોળાં ન હોય
- બહાદુર માણસ એકલો જ હોય છે
167. હંસ ગયા અને બગલા રહ્યા
- અસલ વસ્તુ જતી રહીને નકલી વસ્તુ રહી
અન્ય ગુજરાતી કહેવતો
168. અધૂરો ઘડો છલકાય ઘણો
- જેની આવડત ઓછી હોય તે દેખાવો વધુ કરે
169. ઉજ્જડ ગામ માં એરંડો પ્રધાન
- સારી વસ્તુ ન મળતી હોય ત્યાં ખરાબ વસ્તુ પણ શ્રેષ્ઠ ગણાય છે
170. ઉતાવળે આંબા ના પાકે
- ઉતાવળ કરવા થી કોઈ કામ સારું થતું નથી
171. ઉગતા સુરજ ને સૌ નમે
- જે સતા પર હોય તેને સૌ માને
172. આંખમાં અમી તેને દુનિયા સમી
- જેનો સંબંધ સારો હોય તેનો વ્યવહાર પણ સારો હોય છે
173. દૂર થી ડુંગર રળિયામણા
- બધું દૂર થી સુંદર દેખાય નજીક જઈએ ત્યારે સાચી હકીકત જણાય
174. દિવા પાછળ અંધારું
- ઘર ની મુખ્ય વ્યક્તિ ના નિધન પછી ગેરલાયક વ્યક્તિ ના હાથ માં જવાબદારી આવવી
175. દયા ડાકણ ને ખાય
- દયા કરવા થી તકલીફ માં વધારો થવો
176. દુકાળ માં અધિક માસ
- મુશ્કેલી માં મુશ્કેલી આવવી
177. સમો વરતે સાવધાન
- વખત જોઈ વર્તન કરવું
178. સમ ખાય તે સદા જૂઠો
- વાત વાત માં સોગન ખાતો હોય તેવી વ્યક્તિ પર વિશ્વાસ કરાય નહિ
179. અભી બોલા અબી ફોક
- વચન દ્રોહી બનવું
180. કામ કાર્ય તેને કામણ કર્યા
- મહેનત કરે તેને ફળ અવશ્ય મળે છે
181. કાંટા વિના ગુલાબ ના હોય
- સુખ અને દુઃખ સાથે જ હોય
182. ઘેર ઘેર માટીનાં ચૂલા
- બધા ઘરે એક સરખી પરિસ્થિતી હોવી
183. સૂકા ભેગું લીલું બળે
- ખરાબ વ્યક્તિ ની સંગત માં સારી વ્યક્તિ પણ બદનામ થાય
184. પાકા ઘડે કાંઠા ના ચઢે
- એક વાર સમય ચુક્યા પછી પરિસ્થતિ માં બદલાવ સંભવ નથી
185. પહેલું સુખ તે જાતે નર્યા
- શરીર સ્વસ્થ હોય તો બધું સલામત
186. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ના જવાય
- જયારે તક આવે ત્યારે તેને અવગણવી ના જોઈએ
187. આડે લાકડે આડો વેહ
- જેવાની સાથે તેવો જ વ્યવહાર થાય
188. આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય
- કામ જાતે કરીએ તો જ સિદ્ધિ મળે
189. આભ ફાટે ત્યારે થીગડું ન દેવાય
- પાર વગર ન દુઃખો નો કોઈ ઈલાજ હોતો નથી
190. આંગળા ચાટ્યે કંઈ પેટ ન ભરાય
- ખોટી કરકસર નો કોઈ અર્થ નહિ
191. આગે આગે ગોરખ જાગે
- કોઈ પણ વાત આગળ વધતી જાય તેમ તેનો ઉપાય મળતો જાય
192. અતિની કોઈ ગતિ નહીં
- કોઈપણ વાતમાં અતિશયોક્તિ બહુ સારી નહીં
193. બાંધી મુઠી લાખની
- રહસ્ય છુપાયેલું હોય ત્યાં સુધી જ મહત્વ ધરાવે છે
194. વાત નું વતેસર કરવું
- નાની વાત ને મોટું સ્વરૂપ આપવું
195. ઉજ્જડ ગામ માં બાજે ઢોલ
- જેમના માં સમજણશક્તિ ના હોય તેમને શિખામણ આપવા નો કોઈ મતલબ નથી હોતો
196. ઓછું પાત્ર ને અદકું ભણિયો
- જ્ઞાન ઓછું હોય તે દેખાવો વધારે કરે
197. પોથીમાં ના રીંગણાં
- માત્ર પુસ્તકિયું જ્ઞાન હોય
198. મખમલ ની મોજડી માથે ના પહેરાય
- જે વસ્તુ જ્યાં શોભતી હોય ત્યાં જ શોભે
199. બેઠા ની ડાળ ન કપાય
- પોતાનું જ અહિત ના કરાય
200. આપવો દોકડો ને લેવો બોકડો
- સૌ નાની વસ્તુ આપી ને મોટી વસ્તુ લેવા નો પ્રયાસ કરે
201. આંગળી થી નાખ વેગળા
- પારકા પોતાના ના થાય
202. ઉજળું એટલું દૂધ નહિ
- બાહ્ય દેખાવ થી છેતરાવું નહિ
203. ભાગ્યશાળી ને ભૂત રળે
- નસીબદાર ઓછી મહેનત કરે તો પણ સફળ થાય
204. હાડ હસે ને લોહી તપે
- આનંદ અને ગુસ્સો બંને સાથે હોવા
205. હોઠ સાજા તો ઉત્તર જાજા
- વાણી શક્તિ હોય તો ગમે તેનો ઉપયોગ કરી શકાય
206. સોંઘું ભાડું ને સિદ્ધપુર ની જાત્રા
- મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું
207. સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ
- સોટી થી ડરાવીએ તો વિદ્યા જલ્દી આવે
208. સુરત સોનાની મુરત
- સુરત શહેર સમૃદ્ધ શહેર છે
209. સેવા કરે તેને મેવા મળે
- જે બીજા નું ભલું કરે તેને અવશ્ય તેનું ફળ મળે છે
210. સુરત નું જમણ અને કાશી નું મરણ
- કાશીનું મરણ સ્વર્ગ પામે છે તેમ સુરતનું જમણ પણ સ્વર્ગ સમાન છે
211. સઈ ની સાંજ ને મોચી નું વહાણું
- ખોટા વાયદા કરવા
212. સૂડી વચ્ચે સોપારી
- ધર્મસંકટ માં પડવું
213. સોનાની થાળી ને લોઢા ની મેખ
- અનેક સદગુણો એક અવગુણ થી ઝાંખા પડે
214. સાંકડા કપાળમાં સો ભમરા
- ગરીબ નું નસીબ ગરીબ
215. શીંગડે ઝાલે તો ખાંડો ને પૂંછડે ઝાલે તો બાંડો
- દરેક રીતે વાંકુ પડવું
216. આંધળા ની ગત આંધળા જાણે
- જેની પર વીતે તેને જ જાણ હોય
217. બોલે તેના બોર વહેચાય
- પોતા ના કામ અંગે બોલતો રહે તે ફાવે
218. આટો વેચી ગાજર ખાધા
- મોંઘી ચીજવસ્તુ ના બદલા માં સોંઘી વસ્તુ મેળવી
219. અન્ન આહારે ને ઘી વહેવારે લેવાય
- દરેક વસ્તુ પ્રમાણસર શોભે
220. ન બોલવામાં નવ ગુણ
- મૌન ઉત્તમ છે
221. શ્રમ વગર નું પ્રારબ્ધ લુલુ
- પુરુષાર્થ આગળ પ્રારબ્ધ પાંગળું છે
222. શેઠ આવ્યા તો કહે નાખો વખારે
- ઘટિત સત્કાર નો અભાવ
223. શીરા માટે શ્રાવક ના થવાય
- નજીવા લાભ માટે ધર્મભષ્ટ ન થવાય
224. વિદ્યાહીન નર તે પશુ
- ભણેલો હોય તે જ માણસ ગણાય
225. આગે આગે ગોરખ જાગે
- આગળ જતા ઉપાય મળી રહે
226. આપ સમાન બાલ નહિ તે મેઘ સમાન જળ નહિ
- જાત મહેનત સર્વશ્રેષ્ઠ છે
227. લખતો ભૂલે ને તરતો ડૂબે
- જે કામમાં પડે તેની જ ભૂલ થાય
228. લીલા વનનાં સુડા ઘણા
- લાભ દેખાય ત્યાં ઘણા આવે
229. લુચ્ચા ની પાંચશેરી ભરી
- કપટ કરનાર માણસ ઘણીવાર જીતી જાય
230. વગ કરે પગ
- લાગવગ થી પ્રવેશ પામી શકાય
231. સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય
- જે મહેનત કરે તેને જ પ્રસિદ્ધિ મળે
232. લોક ની લાજે કે પેટની દાજે
- લાચાર પરિસ્થિતિ
233. વખત ની વાત વખતે છાજે
- જે કાળે જે કરવું જોઈએ તે કાળે તે કરવું
234. વાંસના કજિયા વન બાળે
- નાની વસ્તુને મોટું કારણભૂત બનાવી મોટું રૂપ આપવું
235. શઠં પ્રતિ શાઠ્યં
- ખરાબ વ્યક્તિ સાથે ખરાબ વર્તન થવું
236. નામ મોટાને દર્શન ખોટા
- બહાર થી પ્રતિષ્ઠિત હોય પરંતુ અંદરથી દોષો થી ભરેલી હોય
237. પગ જોઈને પછેડી તણાય
- જેટલી આવક હોય તેટલો જ ખર્ચ કરાય
238. પારકે ભાણે મોટો લાડુ
- પોતાની વસ્તુ કરતા બીજાની વસ્તુ હમેંશા સારી લાગે
239. પ્રથમ ગ્રાસે મક્ષિકા
- કામ ના શરૂઆત માં જ અટકળ આવવી
240. બાર હાથનું ચીભડું અને તેર હાથનું બી
- ના થઈ શકે તેવી વાત હોવી
241. ભાત મેલીએ પણ સાથ ન મેલીએ
- અન્ન છોડી શકાય પરંતુ સાથ ના છોડી શકાય
242. હવેલી લેતા ગુજરાત ખોઈ
- વિચાર કર્યા વગર કરેલું કાર્ય નું પરિણામ સારું નથી આવતું
243. ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ
- પોતાની ખરાબ પરિસ્થતિ માં પણ પોતાની ઈજ્જત ના ગુમાવવી
244. વાવે તે લણેને ખોદે તે પડે
- જે જેવું કાર્ય કરે તેવું તેને પરિણામ મળે
245. મરણમાં રાજિયા ને વિવાહ માં ઘોળ
- પ્રસંગ પ્રમાણે વર્તન કરવું જોઈએ
246. ઝાઝી કીડીઓ સાપને તાણે
- કોઈ કામ માં એકતા હોય તો અશક્ય કામ પણ શક્ય બની શકે
247. આવ્યો આસો ને મેઘ નાસો
- સમય ઝડપી છે
248. આંધળા ખરચ નું અંતકાળે સરવૈયું
- ખોટા ખર્ચ કરનાર વ્યક્તિ છેવટે દેવાદાર સાબિત થાય છે
249. એકલ દોકલ ના અલ્લાબેલી
- જેની કોઈ સહાય ના કરે તેની ઈશ્વર સહાય કરે છે
250. દૂધના દાઝ્યા છાશ પણ ફૂંકીને પીએ
- એકવાર જેને કોઈ કામમાં ખરાબ અનુભવ થઈ ગયો હોય તે સારા કામ માં પણ ધ્યાન રાખીને કાર્ય કરે
251. એઠું ખાય તે ચોપડ્યા ને ભરોસે
- બદલામાં કંઈ મેળવવા ની લાલચ માં થતું કાર્ય
252. સાપના મોઢા માં થી અમૃત ન ટપકે
- ખરાબ લોકો પાસેથી સારા ની આશા ન રખાય
253. કલાલની દુકાને દૂધ પણ દારૂ
- બદનામ સ્થળે સાચી ચીજ પણ વગોવાય છે
254. ધુમાડાને બાચકા ભર્યે દહાડો ન વળે
- ખોટી મહેનત કરવાનો કઈ અર્થ નથી
255. ઊલમાંથી ચૂલ માં પડયાં
- એક મુશ્કેલીમાં થી બીજી મુશ્કેલી માં પડવું
256. કહ્યો કુંભાર ગધેડા પર ન ચડે
- કોઈના કહેવાથી જિદ્દી માણસ પ્ણ કામ કરતો નથી
257. કાગળની હોડીથી દરિયો ન તરાય
- નબળા સાધનાથી કામ સફળ ન થાય
258. પાંચેય આંગળી ઘીમાં ને માથું વાઢીમાં
- બધી બાજુ થી ફાયદો જ હોવો
259. ગરજ સરી કે વૈદ વેરી
- કામ પૂરતો જ મતલબ રાખવો
260. કામના કુડા વાતોના રૂડા
- હરામ હાડકાનું હોવું
261. ઘરડાં જ ગાડા વાળે
- અનુભવી ની સલાહ
262. કાળમાં કોદરા યે ભાવે
- મુશ્કેલ પરિસ્થિતિમાં જે મળે તે સારું લાગે
263. જેણે મૂકી લાજ , તેને નાનું સરખું રાજ
- જેને શરમ મૂકી દીધી તે વ્યક્તિ ખુશ રહે છે
264. ત્રાજવું કોઇની શરમ ન રાખે
- ન્યાયપૂર્ણ ફેંસલો તટસ્થ જ હોય
265. ઠોઠ નિશાળિયાને વતરણાં ઘણાં
- કામની આવડત નહિ ને ઝાઝા સાધનો રાખે
266. નવરો બેઠો નખ્ખોદ વાળે
- બેઠા બેઠા કામ માં વધારો કરવો
267.ન મામા કરતાં કાણો મામો સારો
- કઈ ના મળે એના કરતા જે મળે તે સારું
268. નાણાં વગરનો નાથીયો ને નાણે નાથાલાલ
- જેની પાસે પૈસા હોય તેને જ લોકો પૂછે છે
269. કૂવામાં હોય તો હવાડામાં આવે
- મા-બાપમાં સંસ્કાર સંતાનમાં આવે
270. નાનો તો પણ રાઈનો દાણો
- નાના માં નાની વસ્તુ પણ સમય આવતા કામ આવી શકે છે
271. કેડે છોકરું ને ગામમાં ઢંઢેરો
- પાસે હોવા છતાં બીજે શોધવા જવું
272. પેટનો બાળ્યો ગામ બાળે
- પોતે દુ:ખી હોય તે બધાને દુ:ખી કરે
273. પીઠી ચોળે રંગ ન બદલાય
- ગમે તેટલાં પ્રયત્નો કરવા છતાં મૂળ સ્વભાવમાં ફેરફાર થતો નથી
274. પાશેરામાં પહેલી પૂણી
- કાર્ય ની શરુઆત કરવી
275. પુત્રનાં લક્ષણ પારણામાં ને વહુનાં લક્ષણ બારણામાં
- સંસ્કારો તો શરૂઆત થી જ દેખાઈ આવે
અને અંતે
જો આપના ધ્યાન માં આના સિવાય અન્ય કોઈ ગુજરાતી કહેવતો હોય તો અહીં નીચે કોમેન્ટ માં જણાવો અને આ લેખ ને તમારા મિત્રો અને પરિવાર ના સભ્યો ને શેર કરો.
Jevo sang tevo rang
રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં.
ગાંડી સાસરે ન જાય અને ડાહ્યી ને શીખામણ આપે.
બકરું કઢતા ઉંટ પેઠું.
લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે.
ખાલી ચણો વાગે ઘણો.
ના મામા કરતા કાણો મામો સારો એ કહેવત ખરેખર
ના મામા કરતા કે’ણો મામો સારો એ સાચું છે. જ્યારે મામા નથી જ તો પછી કહેવાતો અથવા બનાવેલ મામો સારો એ મતલબમાં આ કહેવત બનેલ છે. ટૂંકમાં નથી તેના કરતા જે છે તે જ સારુ છે.
વારી જાઉં વહાલા તમારાં સંકલન પર, ખૂબ સુંદર સમજૂતિઓ સાથે કહેવતો . . .
ખુબ ખુબ આભાર
બાવા ના બેય બગડે
આંધળી ઓકે ને તેર ને રોકે
ભાણાની સૌ ભાંગે, ભવની કોઈ ન ભાંગે
(થોડી-ઘણી મદદ સહુ કરી શકે, પૂરેપૂરી મદદ કોઈ ન કરી શકે)
ખૂબ સરસ
ઘેટી ઘાસ ખાવા ગઈ પણ ઉન મૂકી ને આવી
પંડ્ય રળયે પેટ ભરાય, કર્મ રળયે પેટી ભરાય
શેઠ ની શિખામણ જાપા સુધી
કાસી મા પણ કાગડા તો કાણા જ
એક ઘાએ કૂવો ના ખોદાય
મફતના મરી કોને તીખાં લાગે
ગુજરાતી કહેવાતોને આજના યુવાનો સુધી પહોચાડાવી એટલે લોઢાના ચણા ચાવવા જેવું ભગીરથ કાર્ય તમે ઉપાડ્યું છે.
આધુનિક યુગની ઝાકળઝંઝાથી યુવાનો દૂર ભાગે અને કુદરતી તરફ આકર્ષાય તેવી કહેવત તેઓને પસંદ પડે તેવી પીરસો એવું ઈચ્છું છું.
આપના શબ્દો અમારા માટે અમૂલ્ય છે તથા અમને વધુ ધગશ થી કામ કરવા પ્રેરે છે.આપનો કોમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર
ઘરણ ટાણે સાપ નીકળે
ખૂબજ સરસ પ્રયત્ન છે આપશ્રી નો ઘણો ઘણો આભાર 🙏
Mo bhagi javu
Highⅼy descriptive article, I loved that bit.
Will therе be a part 2?
અન્ય કશું સર્ચ કરવાની જરૂર જ ન પડે એટલું સુંદર સંકલન છે. અને તેમાંય જે ભાગ પાડીને કહેવતો મૂકી છે તે તો સોનામાં સુગંધ ભળ્યા બરાબર છે.
આભાર…
ખુબ ખુબ આભાર આપનો કિંમતી સમય કાઢી ને કોમેન્ટ કરવા બદલ
આપને લેખ પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવા વિનંતી અને નવા લેખ માટે અમારા સાઈટ ની મુલાકાત લેતા રહેજો.
મોઢ વાણિયો ભીંતે ચીતર્યો પણ સારો નહિ.